- કોંગીઓ દ્વારા લાલ બંગલા સર્કલ ખાતે વિરોધ
- ધારાસભ્ય પ્રવીણ મૂછડીયાને માથાના ભાગે ઇજા
- વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત
જામનગર: શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા લાલ બંગલા સર્કલ પાસે કાળા કપડા પહેરી સામાજિક ક્રાંતિ અભિયાન અંતર્ગત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આરોગ્ય અને સુખાકારી પ્રદાન કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઇ હોવાના આક્ષેપ સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં. આ તકે ધારાસભ્ય પ્રવિણ મુસડીયા , જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણ કુંભરવડીયા, કોર્પોરેટર નુરમામદ પલેજા, રચના નંદાણીયા, કોંગી અગ્રણી સહારા મકવાણા, કરણદેવસિંહ જાડેજા સહિતના કોંગ્રેના હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
સામાજિક ક્રાંતિ અભિયાન કાર્યક્રમનું લાલ બંગલા સર્કલ ખાતે આયોજન
જામનગર સહિત રાજ્યમાં મુખ્યપ્રધાન તથા નાયબ મુખ્યપ્રધાનના સફળ નેતૃત્વમાં રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં સરકારના મહત્વના જુદા જુદા વિભાગો દ્વારા ચાલતી પ્રજાલક્ષી યોજનાઓ અંગે વિવિધ કાર્યક્રમો થઇ રહ્યાં છે. જેની સમાંતર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. આજે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા ક્રાંતિ દિવસ નિમિત્તે સામાજિક ક્રાંતિ અભિયાન કાર્યક્રમનું લાલ બંગલા સર્કલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો- વડોદરામાં દૂધ વગરની ચા બનાવી કોંગ્રેસ કાર્યકરોએ દૂધના ભાવ વધારા માટે કર્યા વિરોધ પ્રદર્શન
કોંગ્રેસ દ્વારા કાળા કપડા પહેરી ધરણા પ્રદર્શન
ભારતીય જનતા પાર્ટીના તાઇફા અને રૂપાણી સરકારના શાસનની સફળતાના નામે સુખાકારી અને આરોગ્યમાં સરકાર નિષ્ફળ ગઇ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા કાળા કપડા પહેરી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતાં. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય પ્રવિણ મૂછડીયાને માથાના ભાગે ઈજા પહોંચી હતી.