• સરકાર ખાનગી કંપનીઓ દ્વારા પીરોટન ટાપુનો કરશે વિકાસ
• પીરોટન ટાપુ પર 15 વર્ષ બાદ પિકનીક સ્પોટ બનશે
• જીવસૃષ્ટિને નુકસાન પહોંચવાની કરી રહ્યા છે આગાહી
• ટેન્ડર બહાર પાડતા ખળભળાટ
જામનગર: હાલાર અને સમગ્ર સૌરાષ્ટ્રમાં પીરોટન ટાપુ ખૂબ જ પ્રખ્યાત છે. ઘણાં વર્ષોથી આ ટાપુ પર જવા માટે સામાન્ય નાગરિકો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, આમ છતાં ઘણાં બધા લોકો આ ટાપુ પર આવ-જા કરતા હતા એવું જાણવા મળે છે. પરંતુ હવે ખુદ સરકાર આ ટાપુને પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો માટે હરવા-ફરવાનું સ્થળ જાહેર કરી ચુકી છે.
સૌરાષ્ટ્રના દરિયાકિનારે વિવિધ વિકાસ કામો થશે
હવે આ ટાપુ પર પિકનિક માટેની તમામ સુવિધાઓ ખુદ સરકાર ખાનગી એજન્સીઓના માધ્યમથી ઉપલબ્ધ કરાવશે. આ માટેની ટેન્ડર પ્રક્રિયા જાહેર થઇ ચુકી છે. જામનગર જિલ્લાના ઘરેણા સમાન અને જીવસૃષ્ટિ માટે સ્વર્ગ મનાતું પીરોટન ટાપુ પર રિસોર્ટ જેવી સુવિધાઓ ઉભી કરવા માટે સરકાર દ્વારા ટેન્ડર બહાર પડતા પર્યાવરણવાદીઓમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. પર્યાવરણવાદીઓનું માનવું છે કે, જે ટાપુ પર છેલ્લા 15 વર્ષથી જવાની મનાઈ છે ત્યાં આવડા મોટા વિકાસ કાર્યને મંજૂરી મળવાથી દરિયાઈ જીવસૃષ્ટિ અને ચેરના જંગલોનો નાશ પામવાની પુરેપુરી સંભાવના છે. અહીં આવતા પ્રવાસીઓ પ્લાસ્ટિક તેમજ કચરો ફેલાવશે. જેનાથી જીવસૃષ્ટિને નુકશાન થશે.
પીરોટનનો વિકાસ થાય તો જીવસૃષ્ટિ પર જોખમ
જામનગર નજીકના દરિયાઈ જીવસૃષ્ટિ અને ચેરના વૃક્ષો માટે અત્યંત પ્રખ્યાત પીરોટન ટાપુને સરકારે વિકસાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ વિકાસના નામે ત્યાં અત્યંત આધુનિક સુવિધા સાથેનું રિસોર્ટ ઉભુ કરવાનું ટેન્ડર બહાર પડતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ રિસોર્ટમાં પિકનિક મનાવવા માટે લોકો આવે તેવી તમામ પ્રકારની ઉચ્ચકક્ષાની સુવિધાઓ રાખવામાં આવશે જેમાં સ્વિમિંગ પુલ, રેસ્ટોરન્ટ સહિત અનેક પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
પર્યાવરણવાદીઓ હાઇકોર્ટમાં જશે
ટાપુ પર બાંધકામના પગલે વર્ષોથી ત્યાં રહેલી દરિયાઈ જીવસૃષ્ટિ અને ચેરના જંગલોનો સોથ વળી જશે તે નક્કી છે.આ ટેન્ડર બહાર પડતાની સાથે જ પર્યાવરણવાદીઓમાં ભારે રોષ ફેલાઈ ગયો છે અને પિરોટન ટાપુ કે જેના પર જવા 15 વર્ષથી પ્રતિબંધ હતો તે મુદ્દે લડી લેવા વિચારણા શરૂ થઈ ગઈ છે. પીરોટન ટાપુ દરિયાના ચોતરફે ઘેરાયેલું અત્યંત રમણીય ટાપુ છે જે હાઈટાઈડ વખતે એક કિલોમીટર ચોરસ સ્કવેર મીટરનું હોય છે જ્યારે લોટાઈડ વખતે 7થી 8 કિ.મી.નું ટાપુ બની જાય છે. જામનગરના બેડી પોર્ટથી પીરોટન ટાપુ પર જવા વહાણમાં પોણોથી એક કલાક જેટલો સમય લાગે છે. અહીં જવા માટે સ્પેશિયલ મંજૂરી લેવી પડે છે.
પીરોટનમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિ કરે છે વસવાટ
પીરોટન ટાપુ અને તેના આજુબાજુ જીવસૃષ્ટિનો વિશાળ ખજાનો છે. કોઈપણ ટાપુ પર ન જોઈ શકાય તેવા કોરલ અહીં મોજૂદ છે. ઉપરાંત ઓક્ટોપસ, બફર ફીશ, ચેરના જંગલો, જાત-જાતના કરચલા સહિત અનેક જીવસૃષ્ટિઓનો ખજાનો છે. બોનેલિયા નામનો જીવજંતુ તો આખા વિશ્વમાં ફક્ત પીરોટન ટાપુ પર જ જોવા મળે છે. રેતી, સિમેન્ટ, ઈંટ વગેરેના હેરફેર અને કચરો દરિયામાં જવાથી આ તમામ જીવસૃષ્ટિઓ અને ચેરના જંગલો નાશ પામશે તે નિશ્ચિત છે.