જામનગરઃ શહેર તેમજ જિલ્લામાં ગત કેટલાય સમયથી કોરોના પોઝિટિવ કેસનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે. ગત વખતની જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દે વિશેષ ચર્ચા કરવાની માગ કરવામાં આવી હતી. ત્યારબાદ ગુરુવારે રીકવીઝેશન બોર્ડ બોલાવવાની માગણી પર સામાન્ય સભા ચેમ્બર ઓફ કોમર્સ હોલ ખાતે બોલાવાઈ હતી, જ્યાં વિપક્ષ દ્વારા PPE કીટ પહેરી અને નવતર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેથી મનપાના ડેપ્યુટી મેયર કરશન કરમુરે કહ્યું હતું કે, બધા લોકોનો ટેસ્ટ કરાવી શકતા નથી એ વાસ્તવિકતા છે. જે લોકોને લક્ષણો દેખાય છે તેમનો જ ટેસ્ટ કરવામાં આવે છે.
વિરોધ પક્ષના નેતા દ્વારા કોરોના કાળમાં થઈ રહેલા મોત અંગે રાજકીય નાટક ખેલાતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, સમગ્ર જિલ્લામાં કોરોનોને લઈને 23 મોત થયાં છે, જ્યારે ગુજરાત સરકારની વેબ-સાઇટ પર મોતનો આંકડો માત્ર 9 બતાવવામાં આવી રહ્યો છે.