- જામનગરના રાજપૂત સમાજની મહિલાઓને પગભર કરવા માટે આપવામાં આવે છે તાલિમ
- તાલિમ પૂર્ણ કરાયેલી મહિલાઓને આપવામાં આવી સહાય સામગ્રી
- દરેક લોકોએ સરકારી યોજનાઓનો લાભ લેવો જોઈએ
જામનગર: જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા રાજપૂત સમાજની બહેનોને આત્મનિર્ભર કરવાના નિર્ધાર સાથે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી હેઠળની મહિલા સ્વાવલંબન યોજના દ્વારા સીવણની તાલીમ આપવામાં આવે છે, સાથે જ સમાજના બાળકોને શિષ્યવૃત્તિ અને આ મહામારીના સમયમાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટ આપવા જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
સહાય સામગ્રીનું કરવામાં આવ્યું વિતરણ
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સેવાકાર્યોમાં સહભાગી બની સ્વહસ્તે સમાજની તાલીમ પૂર્ણ કરેલી 5 બહેનોને સિલાઈ મશીન, 50 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને સમાજના લોકોને 235 અનાજની કીટ અર્પણ કરી હતી. આ અગાઉ સમાજની કુલ 104 મહિલાઓને સિલાઇ મશીનનો યોજના અંતર્ગત લાભ મળ્યો હતો.
આ પણ વાંચો : સરકારી યોજનાની યોગ્ય માહિતી લોકો સુધી પહોંચે તે માટે ભાજપે 'યોજના હેલ્પલાઈન' શરૂ કરી
યોજનાનો લાભ તમામ લેવો જોઈએ
પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમાજમાં ચેતના આવે, સમાજનો સર્વાંગી વિકાસ થાય તે ખૂબ આવશ્યક છે. અનેક યોજનાઓ સરકાર દ્વારા લોકઉત્કર્ષ માટે અમલી કરવામાં આવેલ છે પરંતુ અનેક લોકોને તેના વિશે જાણકારી જ નથી. લોકો સરકારની યોજનાઓ વિષે જાણી તેનો લાભ લઈ અને વિકાસ માર્ગે આગળ વધે તેવું પગલું રાજપૂત સમાજે લીધું છે તે માટે હું સમાજની આવી સેવાભાવી સંસ્થાને બિરદાવું છું.
આ પણ વાંચો : પોરબંદરમાં જનહિતકાર માટે ચિકાસા ગામે યોજાઇ રાત્રી સભા