જામનગરઃ જિલ્લામાં કાલાવડના રણુજામાં દર્શનાર્થે આવતાં શ્રદ્ધાળુઓને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. કાલાવડ તાલુકામાં આવેલા રણુજામાં આ વર્ષે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત અષાઢી બીજ નિમિત્તે ગોઠવવામાં આવ્યો છે. અહીં રામદેવપીરની જગ્યા આવેલી છે, જ્યા વર્ષોથી અષાઢીબીજની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જો કે આ વર્ષે કોરોના સંક્રમણ હોવાના કારણે અહીં અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી નથી.
રણુજા મંદિરે લોકો દુર દુરથી દર્શન માટે આવતા હોય છે, ત્યારે આ વર્ષે પણ રામદેવપીરના દર્શન કરવા માટે અનેક લોકો આવી રહ્યાં છે, જેને પોલીસ અટકાવી રહી છે.
રણુજામાં અષાઢી બીજ નિમિત્તે ભવ્ય લોક મેળાનું પણ આયોજન કરવામાં આવે છે, જેથી ત્યા રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ રામદેવપીરના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. જો કે આ વર્ષે કોરોના વાઇરસને કારણે અષાઢી બીજની ઉજવણી મુલતવી રાખવામાં આવી છે. તેમજ મંદિર સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું છે.
ઉલ્લેખનિય છે કે કોરોના વાઇરસને કારણે રાજ્ય સરકારે આ વર્ષે તમામ લોકમેળાઓ રદ કરવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે રણુજામાં પણ અષાઢી બીજના રોજ યોજાનારો લોકમેળો પણ રદ કરાયો હતો.