જામનગરઃ જિલ્લામાં અન્નપૂર્ણા યોજના અંતર્ગત શુક્રવારથી સસ્તા અનાજની દુકાનો પર અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. દુકાનદારો દુકાને આવતા ગ્રાહકોને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવી રહ્યાં છે, પરંતુ ફિંગર પ્રિન્ટનો ઉપયોગ કરાવવામાં આવી રહ્યો છે, જેથી ફિંગર પ્રિન્ટ કોરોના સંક્રમણ વધારે તેવી દહેશત જોવા મળી રહી છે.
શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાને મોટી સંખ્યામાં ગ્રાહકો અનાજ લેવા માટે આવ્યા હતા. જ્યા ફિંગર પ્રિન્ટ દ્વારા તમામને અનાજનું વિતરણ કરાવામાં આવી રહ્યું છે. શહેરીજનોને એ ખ્યાલ નથી કે તેઓ જે ફિંગર પ્રિન્ટ આપી રહ્યાં છે તે ક્યાંક તેમને કોરોના સંક્રમિત ન કરી જાય. સસ્તા અનાજની દુકાનમાં જ ફિંગર પ્રિન્ટ મશીન રાખવામાં આવેલું છે, તેમજ એક જ ફિંગર પ્રિન્ટ મશીનમાં તમામ ભાઈઓ તેમજ બહેનોના ફિંગર લેવામાં આવી રહ્યા છે. ત્યારે જો આમાંના એક પણ કોરોના પોઝિટિવ હશે તો બીજા પણ જે લોકોએ ફિંગર આપ્યા છે તેમને પણ કોરોના સંક્રમણ થવાનો ખતરો રહેલો છે.
રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારે સસ્તા અનાજની દુકાને માલ લેનારને ફરજિયાત ફીંગર આપવામાં આવી રહ્યું છે, તે હાલ કોરોના સંક્રમણ કાળમાં કેટલું ઉચિત? ક્યાંક આ ફિંગરની આડમાં શહેરમાં કોરોના સંક્રમિતનો આંકડો વધે તો તેના માટે જવાબદાર કોણ વગેરે સવાલો ઉભા થઇ રહ્યા છે. જો કે વહીવટી તંત્રનું સમગ્ર મામલે કોઇ પણ ધ્યાન ગયું નથી. જિલ્લા કલેકટર રવિશંકરે લોકોને અપીલ કરી હતી કે બેજવાબદારી પૂર્વક શહેરમાં આટા ફેરા ન કરે અને ભીડમાં એકઠા ન થાય પણ અહીં તો જે ફિંગર લેવામાં આવી રહ્યા છે ત્યાં વહીવટી તંત્રની કોઇ જવાબદારી દેખાતી નથી.