જામનગરઃ સમગ્ર દેશમાં કોરોનાના કારણે લોકડાઉન છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન-2માં જ્યા કોરોનાના કેસ ઓછા છે ત્યાં થોડીક છૂટછાટ આપી હતી. જે અંતર્ગત રાજ્ય સરકારે માર્કેટિંગ યાર્ડ શરૂ કરવાની છુટ આપી હતી. ત્યારે જામનગર પંથકના ખેડૂતો તૈયાર માલનું વેચાણ કરી શકે તે માટે 27 એપ્રિલથી માર્કેટિંગ યાર્ડમાં હરાજી શરૂ કરવામાં આવી છે.
જિલ્લાની હાપા માર્કેટિંગ યાર્ડ શરુ થતા ખેડૂતો પોતાનો માલ વેચવા આવ્યા હતા, યાર્ડમાં ખેડૂતો તેમજ વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે માટે ખાસ વ્યવસ્થા કરાઇ હતી. માર્કેટિંગ યાર્ડમાં સવારે 9 વાગ્યાથી હરાજી શરૂ કરવામાં આવી હતી જેમાં ખેડૂતોએ લાવેલા માલની ખરીદી વેપારીઓએ ખેડૂતોના વાહનોમાં જ કરી હતી. માર્કેટિંગ યાર્ડ દ્વારા ખાનગી જીનમાં કપાસની હરાજી પણ શરૂ કરવામાં આવી છે. જિલ્લાના ખેડૂતો પાસે હાલ ઘઉ તેમજ કપાસનો તૈયાર માલ વધુ પ્રમાણમાં છે.