જામનગરઃ સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે ત્યારે જામનગર જિલ્લામાં છેલ્લા 14 દિવસથી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જોકે, અગાઉ એક બાળકનું કોરોનાના કારણે મોત થયું હતું. જે બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને જિલ્લામાં કડક રીતે 144ની અમલવારી કરવામાં આવી છે તેમજ સફાઈ અભિયાન પણ પુરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે મ્યુનિસિપલ કમિશ્નર સતીશ પટેલે ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.
કમિશ્નરે વાતચીત દરમિયાન જણાવ્યું કે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે તેમજ સાથે જે વિસ્તારમાં કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો હતો તે વિસ્તારમાં સતત સેનેટાઇઝરની કામગીરી કરવામાં આવી હતી જેના કારણે જામનગર શહેર તેમજ જિલ્લામાં હજુ સુધી એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. વધુમાં જણાવ્યું કે અન્ય મેગા સીટીમાં જે પ્રકારે કોરોનાના પોઝિટિવ કેસ વધતા જોવા મળી રહ્યા છે તેની સરખામણીએ જિલ્લામાં છેલ્લા 14 દિવસથી એક પણ કેસ નોંધાયો નથી. શહેર તેમજ જિલ્લાના લોકોમાં પણ શિસ્ત જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 3 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે ત્યારે જામનગર જિલ્લામાં અત્યાર સુધી એક કેસ જ નોંધાયો છે.