- રાંધણ ગેસના વધતા ભાવને લઇને આમ આદમી પાર્ટીએ આપ્યુ આવેદનપત્ર
- રાંધણ ગેસના બાટલામાં રૂ. 3.50 પૈસાનો વધારો થતા આમ આદમીને હાલાકી
- કોરોના કાળમાં લોકો પાસે કામ ધંધો નથી અને સતત ભાવ વધારો થતાં સામાન્ય માણસ મુશ્કેલીમાં
જામનગરઃ રાંધણ ગેસમાં છેલ્લા 15 દિવસની અંદર રૂ. 100નો વધારો થયો છે. આને લઈને હવે જામનગરમાં આમ આદમી પાર્ટી રોષે ભરાઈ છે. પાર્ટીનું કહેવું છે કે, કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. અત્યારે લોકો પાસે કામ ધંધો નથી, લોકોની આર્થિક સ્થિતિ કથળી રહી છે તેવામાં તે લોકો ગેસના ભાવમાં વધારો કઈ રીતે સહન કરી શકશે. આ ભાવ વધારાને પાછો ખેંચવાની માગ સાથે આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપ્યું હતું.
રાંધણગેસના ભાવવધારા મુદ્દે આમ આદમી પાર્ટીનું આવેદનપત્ર
પ્રજાજનો પાસે હાલે રૂપિયા છે જ નહીં. ગરીબો ઘરમાં ખાવા લોટ નથી. આવા કપરા સમયમાં ભાજપ સરકારે વિકરાળ અને તોતિંગ ભાવ વધારો કરેલો છે. તે તાત્કાલિક પાછો ખેંચવા જામનગર શહેર જિલ્લા આમ આદમી પાર્ટીની માગણી છે. આ માગણી ગરીબ અને મધ્યમ વર્ગની અંતરાત્માની માગણી છે.
ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને થઈ શકે છે વધુ અસર
જો આ ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે તો અમો આમ આદમી પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરશે. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા ઉપપ્રમુખ અબુબકર બાપુ, જામનગર શહેર પ્રવક્તા રમેશ કટારમલ, સૌરાષ્ટ્ર સહ સંગઠન સચિવ દૂર્ગેશ ગડલિંગ, અનુ રાઠોડ, સુખુભા જાડેજા, ભાવેશ વસરા, ધવલ ઝાલા, રાજુ પરમાર, રોહિત મકવાણા, અનિરુદ્ધસિંહ, મિલન કુબાવત, શબ્બીર ચાવડા, જૈન સાબ વગેરે હાજર રહ્યા હતા.