જામનગર: ગુજરાત NCC ડાયરેક્ટોરેટ દ્વારા ગુજરાતમાં એક મહિના સુધી અલગ અલગ સ્થળોએ ‘રક્તદાન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. એક મહિના સુધી ચાલેલા આ અભિયાનમાં 7 અધિકારીઓ, 43 સ્ટાફ સભ્યો, 17 ANO અને 320 કેડેટ્સે 369 યુનિટ રક્તદાન કર્યું હતું. આ ઉપરાંત વૃક્ષારોપણ પખવાડિયાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે અઠવાડિયા દરમિયાન 8350 વૃક્ષો 5569 કેડેટ્સ અને 211 ANO દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં રોપવામાં આવ્યા હતા. આ બંને કાર્યક્રમોનું 26 જુલાઇ 2020ના રોજ કારગિલ વિજય દિવસના રોજ સમાપન કરવામાં આવ્યું હતું.
26 જુલાઇના રોજ કેડેટ્સ માટે પ્રશ્નોતરી/ ઑનલાઇન દેશભક્તિ કવિતાઓની સ્પર્ધા તેમજ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેડેટ્સે ઑનલાઇન ભાગ લઇને દેશ અને સાથી દેશવાસીઓની સુખાકારી તેમજ સમૃદ્ધિ માટે તેમનું જીવન સમર્પિત કરવાનું પ્રણ લીધું હતું. કારગિલ યુદ્ધ સંબંધિત પ્રેઝન્ટેશન અને પ્રેરણાદાયી વીડિયો, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક અને કારગિલ યુદ્ધના PVC પુરસ્કારો પણ કેડેટ્સને બતાવવામાં આવ્યા હતા.
- ગુજરાત NCC ડાયરેક્ટોરેટે કારગિલ વિજય દિવસની ઉજવણી કરી
- ગુજરાતમાં એક મહિના સુધી વિવિધ સ્થળોએ ‘રક્તદાન શિબિર’નું આયોજન
- સમગ્ર ગુજરાત રાજ્યમાં વૃક્ષારોપણ કરાયું
- કેડેટ્સ માટે પ્રશ્નોતરી,ઑનલાઇન દેશભક્તિ કવિતાઓની સ્પર્ધા તેમજ વેબિનારનું આયોજન
કેડેટ્સે આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. વૃક્ષારોપણ પખવાડિયાનું આયોજન કરવાનો મૂળ ઉદ્દેશ પર્યાવરણનું સંરક્ષણ અને તેનું સંવર્ધન કરવામાં યોગદાન આપવાનો છે. કેડેટ્સમાં પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવવાનો અને આપણી પૃથ્વીને બચાવવા તેમજ જેમણે રાષ્ટ્રના સાર્વભૌમત્વ માટે યુદ્ધ કરીને પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. તેવા કારગિલ યુદ્ધના નાયક જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો હતો. કેડેટ્સે વૃક્ષો રોપ્યા હતા અને તેમના પરિવારજનો, સંબંધીઓ તેમજ પડોશીઓને વૃક્ષારોપણની જરૂરિયાત બાબતે તેમજ પ્રકૃતિનું સંરક્ષણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
કેડેટ્સે NCCમાં જોડાયા ત્યારે આપણા રાષ્ટ્ર પ્રત્યે શિસ્તપૂર્ણ અને જવાબદાર નાગરિક બનવાની અને નિઃસ્વાર્થ ભાવે સામુદાયિક સેવા કરવાની તેમજ સાથી દેશવાસીઓની ચિંતામાં મદદરૂપ થવાની જે પ્રતિજ્ઞા લીધી હતી. તેના પરિણામરૂપે આ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. કેડેટ્સે પર્યાવરણના સંરક્ષણ અંગે ઘણી મોટી સંખ્યામાં શૈક્ષણિક વીડિયો અને પોસ્ટર તૈયાર કર્યા હતા. જેને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યા છે.
કેડેટ્સે કારગિલ યુદ્ધ વખતે ભારતીય સશસ્ત્ર દળોએ આપેલા બલિદાન પર પ્રકાશ પાડતા પોસ્ટર અને વીડિયો પણ તૈયાર કર્યા હતા. આ પ્રવૃત્તિઓ ગુજરાતના તમામ જિલ્લામાં અમદાવાદ, વડોદરા, જામનગર, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટ ખાતે આવેલા હેડક્વાર્ટર અને વિવિધ શહેરો અને નગરો જેમકે અમદાવાદ, વડોદરા, જામનગર, નવસારી, ભરૂચ, રાજપીપળા, ભૂજ, સુરેન્દ્રનગર, હિંમતનગર અને અન્ય ઘણા સ્થળે આવેલા યુનિટ્સના સ્ટાફ અને કેડેટ્સ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
પર્યાવરણના સંરક્ષણ માટે અને કારગિલ વિજય દિવસની ઉજવણી માટે હાથ ધરવામાં આવેલા આ અભિયાન દરમિયાન, કોવિડ-19 સંબંધિત તમામ માર્ગદર્શિકાઓ અને સામાજિક અંતરના માપદંડોનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.