જામનગરઃ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ખંત પુર્વક ફરજ બજાવતા 3 કર્મચારીઓ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા, આ કોરોના યોદ્ધાઓ કોરોના સામે જંગ જીતીને શનિવારે શહેરની જી.જી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે, જેમાં અલિયાબાડાના હેલ્થ વર્કર વીરેન્દ્ર સિહ જાડેજા, રેફ્યુજીના ફાર્માશિષ્ટ કૃણાલ સાગઠીયા તેમજ લાખાબાવળના એમ્બ્યુલન્સ ડ્રાઇવર કાસમ ભાઈ ખીરા સામેલ છે.
ત્રણ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને બે સિવિલિયન મળી કુલ પાંચ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ કોરોના યોદ્ધાઓએ પોતાની રોગ પ્રતિકારક શક્તિ, હકારાત્મક વિચારો તેમજ શ્રેષ્ઠ સારવાર દ્વારા કોરોનાથી મુક્ત થયા છે અને હજુ પણ દેશ માટે જરૂર પડે કોરોના સામે લડવાનો જુસ્સો અને જોમ બતાવી, પોતાની અડગ ફરજ નિષ્ઠાનો પરિચય આપ્યો છે તેમજ હોસ્પિટલના તબીબોની સલાહ મુજબ કોરોન્ટાઇન પીરીયડ પુર્ણ કરી સંપુર્ણ ચેપ મુક્ત થઇને ફરીથી આ તમામ કોરોના વોરિયર્સે પોતાની ફરજમાં જોડાઈ જવા તત્પરતા દાખવી હતી. તેઓની ફરજ નિષ્ઠા જોઈ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ. જી. બથવાર, જિલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ વી પી જાડેજા તેમજ જિલ્લા પંચાયત કર્મચારી મહાસંઘના પ્રમુખ દેવેન્દ્ર સિંહ પરમાર દ્વારા તેમને અભિનંદન પાઠવી તેમના સારા આરોગ્ય માટે શુભ કામના પાઠવી હતી.