- જોડિયા ખાતેની હુન્નર શાળાની વિદ્યાર્થીની થઈ કોરોના સંક્રમિત
- જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલ બંધ કરવાના આપ્યા આદેશ
- શાળાને ઓનલાઈન માધ્યમથી જ ચલાવવાનો લેવાયો નિર્ણય
જામનગર: હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે. જેને કારણે છેલ્લા 10 મહિનાથી શાળાઓ બંધ રાખવામાં આવી હતી. જોકે, બે દિવસ અગાઉ જ રાજ્ય સરકારે ધો.10 અને 12નાં વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરી હતી. જેના બીજા જ દિવસે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની હુન્નર શાળામાં ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના કારણે શાળા બંધ કરી દેવામાં આવી છે.
સારવાર માટે જામનગર ખસેડવામાં આવી
સરકારની જાહેરાત બાદ જોડિયાની હુન્નર શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને હોસ્ટેલમાં પ્રવેશ આપતી વખતે તેઓનાં કોરોના રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા. જે પૈકી ધોરણ 12માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. વિદ્યાર્થીનીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તાત્કાલિક DEO કચેરીએ શાળા બંધ કરવાનાં આદેશ આપ્યા હતા. સંક્રમિત વિદ્યાર્થિનીને જામનગરની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. જ્યાં તેની તબિયત સ્થિર હોવાનું તબીબીસૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.