જામનગરઃ જિલ્લાની જી.જી હોસપીટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. અહીં અનેક જિલ્લાના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. ખાસ કરીને હાલ કોરોના કાળમાં જી.જી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં ગુરૂવારે કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ થયો હતો, જેમાં આઠ કોરોનાના દર્દીઓના મોત નિપજ્યા હતા. જેથી તમામ જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો તપાસવામાં આવી રહ્યા છે, ત્યારે જામનગરની જી.જી હોસ્પિટલનું મેનેજમેન્ટ તંત્ર હજુ પણ ઊંઘમાં છે અને છેલ્લા ત્રણ મહિનાથી જી.જી.હોસ્પિટલમાં લગાવવામાં આવેલા એક હજારથી વધુ ફાયર સેફટીના બાટલા બદલવામાં આવ્યા નથી અને તમામ બાટલાની એક્સપાયરી ડેટ પણ ચાલી ગઈ છે.
હોસ્પિટલમાં ફાયરના બાટલાની એક્સપાયરી ડેટ ચાલી ગઈ હોવાની વાત ફાયર ઓફિસરને કરતા તેમણે પણ કાંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે, તો હોસ્પિટલ મેનેજમેન્ટ પણ સમગ્ર બાબતે મૌન પાડી રહ્યું છે.
મહત્વનું છે કે જે રીતે અમદાવાદમાં અગ્નિકાંડ સર્જાયો તેઓ અગ્નિકાંડ જામનગરની જી.જી.હોસ્પિટલમાં પણ સર્જાય તેવી શક્યતા છે, અહીં એક પણ ફાયર સેફ્ટીના બાટલા બદલવામાં આવ્યા નથી. ઉપરાત સમગ્ર મામલે ટેલિફોનિક વાતચીતમાં અધિકારીઓ પણ કાઈ કહેવા ત્યાર નથી.