- જી.જી.હોસ્પિટલમાં દાતાઓ દ્વારા આપવામાં આવે છે દાન
- સામાજિક દાયિત્વ નિભાવી દાતાઓ કરી રહ્યા છે દાન
- પીપીઇ કીટ, વ્હીલચેર, બેટરી ઓપરેટેડ રિક્ષા સહિતની વસ્તુનું આપવામાં આવે છે દાન
જામનગરઃ શહેરમાં આવેલી જી.જી.હોસ્પિટલમાં અનેક દાતાઓ દ્વારા રોકડ સહાયથી લઇ અનેક વસ્તુઓનું દાન આપવામાં આવે છે. એડિશનલ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડટ ડો.અજય તન્નાના જણાવ્યાં મુજબ કેટલાક દાતાઓ દ્વારા હોસ્પિટલને 40 સ્પેશ્યલ રૂમ તૈયાર કરવા માટે સેટી, સોફાસેટ, રાઇટીંગ ચેર, ટેબલ, રિલેકસીંગ ચેર, કબબોર્ડ, ડ્રોઅર, 6 ટેલીવિઝન સેટનું દાન આપવામાં આવ્યું છે.
કોરોનાકાળમાં દાતાઓ દ્વારા હોસ્પિટલમાં દાન
આ ઉપરાંત ટાટા કેમિકલ્સ દ્વારા રૂપિયા 60 લાખના ખર્ચે ત્રણ વોશીંગ મશીન અને 3 ડ્રાયરના સેટ અપાયા છે. જ્યારે ન્યારા એનર્જી લીમીટેડ દ્વારા 4745 પીપીઇ (પર્સનલ પ્રોટેકટીવ ઇકવીપમેન્ટ) કીટ, નારાયણ સેવા ચેરી.ટ્રસ્ટ દ્વારા 500 પીપીઇ કીટ, કનૈયાલાલ રોહેરા અને શ્રી સોજીત્રા દ્વારા બે વ્હીલચેર, પ્રાણલાલ હિંડોચા દ્વારા 35 બાયપેપ માસ્ક, ધનગુરૂનાનક સંસ્થા દ્વારા 20 બાયપેપ માસ્ક (દર્દીઓને ઓકસિજન આપવા માટે બાયપેપ માસ્કનો ઉપયોગમાં થાય છે) આપવામાં આવ્યા છે. સ્ટર્લિંગ એજન્સી દ્વારા 2 લીટરની ક્ષમતા ધરાવતા 10 વોટર જગ, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 200 બેડસીટ અને 100 પીપીઇ કીટ, વેલ્સ્પન ઇન્ડિયા ગાંધીધામ દ્વારા 1000 બેડશીટ અને ટુવાલ, રોટરી કલબ દ્વારા હેન્ડ સેનીટાઇઝર રાખવાના સ્ટેન્ડ અર્પણ કરાયા હતા.
જી. જી. હોસ્પિટલ સ્ટાફે દાતાઓની કામગીરી વખાણી
રમેશ ચોટાઇ દ્વારા એક, જેઠાલાલ ચંદારાણા દ્વારા બે અને અતુલ મોટર્સ દ્વારા એક બેટરી ઓપરેટેડ રિક્ષા હોસ્પિટલને અર્પણ કરાઇ છે. આમ હોસ્પિટલ પાસે કુલ ચાર રિક્ષાઓ ઉપલબ્ધ છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ 20 વ્હીલચેર આપવામાં આવી છે. ત્યારે જી.જી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા પણ દાતાઓની આ કામગીરનીના વખાણ કર્યા છે.
મહેતા પરિવાર દ્વારા રૂપિયા ૨૫ લાખનો ફાળો
ડો.કેતન મહેતા અને શૈલેષ મહેતા પરિવાર દ્વારા બાઇપેપ માસ્ક, ગ્લોવ્ઝ સહિતનો હોસ્પિટલને જરૂરિયાતનો રૂપિયા 25 લાખ જેટલો ફાળો આપવામાં આવ્યો હતો. તેમ મેડીસીન વિભાગના વડા પ્રોફેસર ડો. મનિષ મહેતાએ જણાવ્યું હતું.