જામનગરઃ સાત દાયકા કરતા વધુ સમયથી એસ. કે. બિરલા ગ્રુપની દિગ્જામ લિમિટેડ વર્ષોથી કારોબારમાં નુકસાની તેમજ નાણાંકીય કટોકટીના કારણે અઢી વર્ષથી બંધ હતી. જેના કારણે આ કંપનીના અસંખ્ય કર્મચારીઓની રોજી રોટી ઉપર પ્રશ્ર્નાર્થ સજાર્યો હતો. કંપનીના કર્મચારીઓ દ્વારા લાંબા સમય સુધી આંદોલન પણ કરવામાં આવ્યું હતું. આજે આ કંપનીને જાણીતા ઉદ્યોગપતિ દ્વારા ટેક ઓવર કરવામાં આવતા નજીકના દિવસોમાં જ કંપની ફરીથી શરૂ થઈ શકશે. આ નિર્ણયને કારણે કંપનીના કર્મચારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.કંઈક સારું થશે.
70 વર્ષ કરતા વધુ સમયથી જામનગરમાં કાર્યરત એસ. કે. બિરલા ગ્રુપની દિગ્જામ લિમિટેડ કારોબારમાં નુકસાની અને નાણાંકીય કટોકટીના કારણે અઢી વર્ષથી બંધ થઈ ગઈ હતી અને તા.26 એપ્રિલ-2019 થી એન.સી.એલ.ટી. હેઠળ સમાધાનમાં હતી. આ દરમિયાન કંપનીનું રિઝોલ્યુશનનો ઓર્ડર એન.સી.એલ.ટી. દ્વારા કરવામાં આવેલ છે. જાણીતા ઉદ્યોગપતિ એન.બી.એેફ.સી.ના માલિક ભરત પટેલ ગ્રુપ દ્વારા કંપનીની માલિકી જાહેર કરવામાં આવી છે.
હાલ છેલ્લાં અઢી વર્ષથી કંપનીનું પ્રોડકટ્શન બંધ છે પરંતુ નજીકના ભવિષ્યમાં કંપનીની પ્રણાલીમાં ફેરફાર કરી ચલાવવા યોગ્ય બનાવવામાં આવશે અને ફરીથી દિગ્જામનું નામ દેશ તથા વિદેશમાં પૂન: શિખરો સર કરશે. કંપની ચલાવવા માટે થોડાં ફેરફારો કર્યા પછી કંપનીની જરૂરિયાત અને શરતો મુજબ કર્મચારીઓને પણ રોજગારની બહોળી તકો મળશે અને એન.સી.એલ.ટી.ના નિર્ણય અને ફીનકવીસ્ટ ગ્રુપના સાહસથી દિગ્જામ કાપડની બ્રાન્ડ જામનગરથી વિદેશોમાં ફરીથી વિખ્યાત બનશે.