- રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી
- BJP ચૂંટણી ઈન્ચાર્જે જામનગરની લીધી મુલાકાત
- ગત ટર્મમાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હતું
જામનગરઃ રાજ્યમાં યોજાયેલી તમામ 6 મહાનગરપાલિકામાં ભગવો લહેરાયો છે, ત્યારે આવતીકાલે રવિવારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જે અંતર્ગત જામનગર ભાજપના ચૂંટણી ઈન્ચાર્જ ધનસુખ ભંડેરીએ જામનગરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ETV Bharatના સંવાદદાતાએ ધનસુખ ભંડેરી સાથે ખાસ ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ખેડૂતોને વિવિધ યોજનાઓમાં લાભ મળ્યો. જેથી આ વખતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની જીત થવાની છે. આ સાથે જ તેમણે આક્ષેપ કરતા જણાવ્યું કે, ગત ટર્મમાં કોંગ્રેસનું શાસન હતું અને કોંગ્રેસે કોઈ પ્રકારની કામગીરી કરી નથી.
ગ્રામ્ય વિસ્તારમાં પણ પેજ કમિટીની રચના
જે પ્રકારે કોર્પોરેશનની ચૂંટણીમાં પેજ કમિટીનો પ્રયોગ સફળ રહ્યો છે, તે પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં પણ ભાજપે પેજ પ્રમુખ કમિટી બનાવી છે. આ પેજ પ્રમુખ કમિટીના માધ્યમથી જ ગ્રામ્ય વિસ્તારમાં જંગી બહુમતીથી ભાજપ જીતશે.
જિલ્લા પંચાયતની 24 અને તાલુકા પંચાયતની 112 બેઠકો પર મતદાન
આવતીકાલે રવિવારે યોજાનારી ચૂંટણીમાં જામનગર જિલ્લા પંચાયતની 24 અને તાલુકા પંચાયતની 112 બેઠકો માટે મતદાન થવાનું છે. ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભગવો લહેરાયો હતો.