- જામનગરની કોરોના પોઝિટિવ વિદ્યાર્થિની ના સંદર્ભે શિક્ષણ પ્રધાનનું નિવેદન
- વિદ્યર્થિની શાળાએ ગઈ જ ન હતી
- શાળા રાબેતા મુજબ શરૂ જ રહેશે, બંધ નહિં થાય
નવસારીઃ કોરોના કાળમાં છેલ્લા કેટલાય મહિનાથી શાળાઓ બંધ હતી, પરંતુ હવે કોરોનાના કેસ ઘટતા ગુજરાત સરકારે બંધ થયેલી શાળાઓને ગત 11 જાન્યુઆરીથી શરૂ કરી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય આરંભ્યું છે. આ દરમિયાન જામનગરના જોડિયાની હુન્નર શાળાની ધોરણ 12ની વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવી હતી. જેથી તે શાળાને અઠવાડિયા માટે બંધ કરવાની વાત સામે આવી હતી.
પ્રતાપ હાઈસ્કૂલના શતાબ્દી મહોત્સવમાં શિક્ષણ પ્રધાને કરી સ્પષ્ટતા
આ સમગ્ર પ્રકરણને લઈ શુક્રવારે નવસારીના વાંસદા સ્થિત પ્રતાપ હાઈસ્કૂલના શતાબ્દી મહોત્સવમાં આવેલા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જામનગરની જોળિયાની શાળાની કોરોના પોઝિટિવ વિદ્યાર્થિની અન્ય ત્રણ વિદ્યાર્થિનીઓ સાથે આવી હતી. જેમણે પ્રથમ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં ત્રણ નેગેટિવ અને એક વિદ્યાર્થિની પોઝિટિવ આવી હતી. પરંતુ જે વિદ્યાર્થિની પોઝિટિવ આવી હતી, એ શાળાએ પણ ગઈ ન હતી અને હોસ્ટેલમાં પણ ગઈ ન હતી. ત્યારે શાળા પણ બંધ થવાની નથી, તે શાળા આવતીકાલ 15 જાન્યુઆરીથી રાબેતા મુજબ શરૂ થશે.