જામનગરઃ શુક્રવારે રાજ્યના આયુષ મંત્રાલયના નિયામક ભાવના પટેલ જામનગરની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન તેમણે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે આગામી દિવસોમાં જામનગર શહેરવાસીઓને નિ:શુલ્ક ઉકાળા વિતરણ, આર્સેનિક આલ્બમ અને શમશમની વટીનું વિતરણ કરવાના આયોજન અંગે જણાવ્યું હતું.
આ સાથે જ નિયામકે જામનગરવાસીઓને ઘરગથ્થું રોગપ્રતિકારક શક્તિઓ વધારનારા ઉપાયો જેવા કે, ગરમ પાણી પીવું, નવશેકું હળદરવાળુ દૂધ (ગોલ્ડન મિલ્ક) પીવું, નાકમાં કોપરેલ અથવા ગાયના ઘીનાં ટીપાં નાખવા અને તુલસી, મરી, સુંઠ, અજમાની હર્બલ ટીનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો.
જામનગર શહેરમાં વધી રહેલા કોરોના કેસને કાબૂમાં લેવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વની એકમાત્ર આયુર્વેદિક યુનિવર્સિટી જામનગરમાં આવેલી છે. જેથી આયુષ મંત્રાયલે કોરોના કાળમાં આ યુનિવર્સિટીનો મહત્તમ લાભ લેવા અંગે જણાવ્યું છે.