- આઉટસોર્સિંગ કર્મચારીઓએ પોતાની છ માંગણી સત્વરે સ્વીકારવા અપીલ કરી
- માંગણી સંતોષવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમો કરવાની ઉચ્ચારી ચીમકી
- આઉટસોર્સ કર્મચારીઓ કોરોના વોરિયર્સ તરીકે નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે કામગીરી
જામનગરઃ શહેરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ અને જી.જી.એચ.હોસ્પિટલના આઉટસોર્સ સ્ટાફ દ્વારા પાંચ વર્ષ પુરા થઈ ગયા હોવા છતાં પડતર માંગણીઓનો ઉકેલ હજુ સુધી ના આવતા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ હકારાત્મક ઉકેલ ન આવે તો ગાંધી ચીંધ્યા રાહે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આઉટસોર્સ કર્મચારીઓની સતત અવગણના થઇ રહી છે
આવેદન પત્રમાં જણાવ્યાં અનુસાર 5 વર્ષ પુરા થઈ ગયા હોવા છતા પડતર માંગણીઓને હકારાત્મક વાંચા મળેલી ન હોવાથી અને છેલ્લા એક વર્ષથી આઉટસોર્સ કર્મચારીઓ અમારા કુટુંબની પરવા કર્યા વગર જીવનાં જોખમે કોરોના વોરિયર્સ તરીકે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છીએ. તેમ છતા અમારી કામગીરીને ધ્યાને પણ લેવામાં આવતી નથી. આઉટસોર્સ કર્મચારીઓની સતત અવગણના થઇ રહી હોઈ એવું લાગી રહ્યું છે.
આ પણ વાંચોઃ મેડિકલનો સ્ટાફ ખૂટતા હવે NSS કેડેટ્સને કોરોનાના દર્દીઓની સહાય માટે જવાબદારી સોંપાઈ
વર્ષોથી કામ કરતા અનુભવી સ્ટાફને તે મુજબ યોગ્ય પગાર આપવામાં આવતો નથી
આવેદન પત્રમાં વધુમાં જણાવાયું છે કે, આઉટસોર્સ પ્રત્યે રાજ્ય સરકાર તેમજ અધિકારીઓ દ્વારા બેદરકારી દાખવી રહ્યા હોઈ તેવું લાગી રહ્યું છે. હાલમાં તત્કાલીન કોવિડ ડ્યૂટી માટે ભરતી કરેલા દરેક કેડરના નવા અને બીનઅનુભવી સ્ટાફને ખુબ જ વધુ પગાર આપવામાં આવે છે, પરંતુ તે જ કામ વર્ષોથી કરતા અનુભવી સ્ટાફને તે મુજબ યોગ્ય પગાર આપવામાં આવતો નથી. અમે આઉટસોર્સ કર્મચારી છેલ્લા એક વર્ષથી પુરા ખંત અને નિષ્ઠાપૂર્વક કોરોના વોરિયર્સ તરીકે કામ કરી રહ્યા છીએ જેથી આઉટસોર્સિંગ કર્મચારીઓની આ માંગણી સત્વરે સ્વીકારવા અપીલ કરવામાં આવી છે.
આઉટસોર્સિગ કર્મચારીઓની શું માગ છ?
- સમાન કામ, સમાન વેતન, સમાન જોખમ
- આઉટસોર્સીંગ નાબુદ કરી કાયમી કર્મચારી તરીકે નિમણૂક આપવી
- કાયમી કર્મચારીના તમામ લાભો આપવા
- રાજ્ય સરકાર દ્વારા જે માનદ્ વેતન નક્કી થયું છે જે હજુ સુધી અમને મળ્યું નથી
- હક્ક રજાના રૂપિયા જે સરકારના આદેશ હોવા છતા હજુ મળ્યા નથી
- પગાર મહિનાની તારીખ 1થી 5 સુધીમાં કરી આપવો
આવેદનમાં વધુમાં જણાવાયું કે, આગામી તારીખ 12/05/21 સુધીમાં અમારી માંગણી સંતોષવામાં નહી આવે તો ફરજીયાત અમારે અમારા હક્ક માટે ગાંધી ચિંધ્યાં માર્ગે કાર્યક્રમો કરવા પડશે. આ દરમિયાન જનતાને અતિ આવશ્યક એવી આરોગ્ય વિષેયક સેવાઓમાં જે પણ તકલીફ પડશે તેમની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.