- કોવિડની માઈક્રોબાયોલોજી લેબમાં કુલ 1,01,832 સેમ્પલનું થયું છે પરીક્ષણ
- જેમાંથી 5189 સેમ્પલ આવ્યાં છે પોઝિટિવ
- જામનગર જિલ્લાના 42072 નમુનાઓ માંથી 3677 પોઝિટિવ નમૂના
જામનગરઃ રાજ્યભરમાં સૌપ્રથમ અમદાવાદ અને જામનગરને ગુજરાત સરકાર દ્વારા કોવિડ ટેસ્ટ માટે માઈક્રોબાયોલોજી વિભાગને લેબોરેટરી શરૂ કરવાની મંજૂરી મળી હતી. જેથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં ૮.માર્ચ, ૨૦૨૦ના રોજ લેબ શરૂ થઈ હતી. ત્યારે કોવિડની માઈક્રોબાયોલોજી લેબમાં અત્યાર સુધીમાં 101832 કોરોનાના લક્ષણો ધરાવતા સૌરાષ્ટ્ર -કચ્છના વ્યક્તિઓના સેમ્પલનું પરીક્ષણ થયું છે. જેમાંથી 5189 સેમ્પલ પોઝિટિવ આવ્યાં છે. જેમાં જામનગર જિલ્લાના 42072 નમુનાઓ હતા. જે પેકી 3677 પોઝિટિવ નમૂના હતા.
રાજ્ય સરકારનો માન્યો આભાર
લેબમાં કોરોના ટેસ્ટ માટેના લાખો રૂપીયાના અદ્યતન સાધનો મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન દ્વારા ઉપલબ્ધ કરાવાયા હતા. તેમ એમ.પી.શાહ મેડીકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગના એસો.પ્રો.ડો. હિતેશ શિંગાડાએ જણાવ્યું હતું.
કોરોના સેમ્પલ ટેસ્ટિંગ માટે જરૂરી સાધનો રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવ્યાં
કોવિડ લેબના નોડલ ઓફિસર અને એસો.પ્રો.ડો. બીનીતા એરિંગએ જણાવ્યું હતું કે, અદ્યતન સાધનોથી સજ્જ લેબમાં ડોકટર્સ, સાયન્ટિસ્ટ, લેબ.ટેક્નિસીયન સહિતના 30 નો સ્ટાફ દિવસ રાત સેમ્પલ કલેકશન, તપાસથી લઇ રિપોર્ટિંગ સુધીની ફરજ છેલ્લા દસ માસથી બજાવી રહ્યા છે. અમને કોરોના સેમ્પલ ટેસ્ટિંગ માટે જરૂરી સાધનો, પીપીઈ કીટ પણ પૂરતા પ્રમાણમાં રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવે છે.
5189 કોરોના પોઝિટિવ સેમ્પલ રિસર્ચ માટે સાચવીને રાખવામાં આવે છે
આસી.પ્રો.ડો. હિરલ ગઢવી કોવિડ લેબમાં ડેટા મોનીટરીંગ-રિપોર્ટિંગની સહિતની કામગીરી કરે છે. તેઓના જણાવ્યાં અનુસાર 5189 કોરોના પોઝિટિવ સેમ્પલ રિસર્ચ માટે સાચવીને રાખવામાં આવે છે.
RTPCR ટેસ્ટ માટે ગુજરાત સરકારે સાધનો ઉપલબ્ધ કરાવ્યાં
સાયન્ટિસ્ટ અભિષેક દવેએ જણાવ્યું કે, લેબમાં RTPCR ટેસ્ટ માટે ગુજરાત સરકારે લાખોના સાધનો જેવા કે બાયોસેફટી કેબિનેટ, પીસીઆર કેબિનેટ, -80 અને -20 (કે જેમાં 6 માસથી પણ વધુ સમય સુધી સેમ્પલ સાચવી શકીએ છીએ) ડિગ્રીના ફ્રીજ, સેન્ટ્રીકયુઝ, પીસીઆર સ્ટ્રીપ રોટર, મીની સ્પિન વગેરે ઉપલબ્ધ કરાવ્યાં છે.
RTPCR ટેસ્ટ કઇ રીતે થાય છે ?
સાયન્ટિસ્ટ અખલાક અહેમદે જણાવ્યું કે, Icmr ની ગાઈડ લાઇન મુજબ સેમ્પલને 3 લેયર પેકિંગમાં મેળવવામાં આવે છે. સેમ્પલ ઉપર નંબરિંગ બાદ તેને પ્રોસેસ કરવામાં આવે છે. પછી સેમ્પલમાંથી RNAને અલગ કરવામાં આવે છે. RNAને માસ્ટર મિક્સ રીએજન્ટની અંદર મિક્સ કરવામાં આવે છે. હવે એ પ્લેટને RTPCR મશીનની અંદર મુકવામાં આવે છે. 2 કલાક પછી RTPCR મશીન તેના નેગેટિવ કે પોઝિટિવ પરિણામ જાહેર કરશે.