જામનગરઃ જિલ્લામાં વર્ષોથી જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા યોજવામાં આવે છે. જો કે, આ વર્ષે કોરોનાને પગલે સાદગીથી ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાય અને VHP દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. ખીજડા મંદિરના મહંત કૃષ્ણ મણીજી મહારાજ દ્વારા શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી હતી.
જન્માષ્ટમીમા ભગવાન શ્રી કૃષ્ણ નગરયાત્રાએ નીકળ્યા હતા. ગાડીમા 3 લોકોએ ભગવાનની મૂર્તિ સાથે પરિભ્રમણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષોની પરંપરા જાળવી રાખવા સાદગીથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા દરમિયાન રસ્તામા ઠેર-ઠેર લોકોએ શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા.
આ વર્ષે કોરોના મહામારી હોવાથી ભીડ એકઠી ન થાય તે ધ્યાને રાખી શોભાયાત્રા યોજવામાં આવી હતી. જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત લોકોની ભીડ વગર શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા યોજવામાં આવી હતી.
જન્માષ્ટમી પર કૃષ્ણ ભક્તોમાં અનોખો ઉત્સાહ હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણાં ને લઈ શહેરમાં મેળા જેવો માહોલ હોય છે, જો કે, આ વર્ષે તમામ મેળાઓ બંધ રાખવામાં આવ્યાં છે. જિલ્લા વહીવટી તંત્રએ જાહેરનામું બહાર પાડી મેળા ન યોજવા સલાહ આપી છે.
રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ શોભાયાત્રાને સાદગીથી શહેરના મુખ્ય વિસ્તારોમાં કાઢવામાં આવી હતી, જ્યારે બીજીતરફ વહીવટી તંત્ર પણ લોકોને ચાલુ વર્ષે કોરોનાની મહામારી ના કારણે તમામ તહેવારો સાદગીથી ઊજવવાની અપીલ કરી રહ્યું છે.