- કોરોના વેક્સિનેશનનો નવો તબક્કો શરૂ
- 60 વર્ષથી વધુ ઉમરનાઓને આપવામાં આવે છે વેક્સિન
- લાખાબાવળમાં 100 વર્ષની વૃદ્ધ મહિલાએ રસી લીધી
જામનગરઃ દેશમાં કોરોના વેક્સિનેશનનો નવો તબક્કો શરૂ થયો છે. આ તબક્કામાં 60 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે, ત્યારે જામનગરથી 12 કિલોમીટર દૂર આવેલા લાખાબાવળ ગામમાં રહેતા રંજનબેન કૃષ્ણ ભાઈ વ્યાસે કોરોના વેક્સિન લીધી છે. રંજનબેન વ્યાસની ઉંમર 100 વર્ષની છે.
વેક્સિન આપવામાં આવી રહી છે તે ઉત્તમ કામગીરી
રંજનબેન વ્યાસે જણાવ્યું કે, જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા સિનિયર સિટીઝનને કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે તે ઉત્તમ કામગીરી છે, કારણ કે સિનિયર સિટીઝનની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે.
તમામ લોકોને રસી લેવા કરી અપીલ
જામનગર જિલ્લામાં વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ગુરુ ગોવિંદ હોસ્પિટલમાં સિનિયર સિટીઝનને કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોનાની વેક્સિન લીધી છે, ત્યારે સિનિયર સિટીઝન વધુમાં વધુ કોરોનાની વેક્સિન લે તેવી અપીલ પણ રંજનબેન કરી રહ્યા છે. રંજનબેને લાખાબાવળમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેક્સિન લીધી છે.