ગાંધીનગર પાસે ચિલોડા નજીક આવેલા BSF કેમ્પમાં 13 ઓગસ્ટના રોજ બોર્ડર સિક્યુરીટી ફોર્સ પરીક્ષા યોજાઇ હતી. જેમાં ઉમેદવારોના ફિંગર પ્રિન્ટ મેચ થતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યારે, BSFના અધિકારી દ્વારા આરોપીઓ સામે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જેમાં નામદાર કોર્ટ દ્વારા 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.
જેમા હરિયાણાના બે એજન્ટ રાજેન્દ્ર અને બલવીર નામના વ્યક્તિના નામ સામે આવ્યા છે. સુત્રોએ જણાવ્યું કે, પોલીસ આગામી સમયમાં આરોપીઓને સાથે રાખીને રાજસ્થાનના અલવર, યુપી અને હરિયાણા ત્રણેય રાજ્યોમાં તપાસ કરવા માટે ટીમ બનાવીને રવાના થશે. BSFના અધિકારી દ્વારા 15 આરોપીઓમાંથી 14ને ચીલોડા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા. પરંતુ, પોલીસે 13 આરોપીઓના જ રિમાન્ડ મંજુર કર્યા હતાં.
જ્યારે, એક આરોપી ચિલોડા પોલીસ સ્ટેશન કેમ્પસમાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારે, ચિલોડા પોલીસની સૌથી મોટી બેદરકારી સામે આવી છે. આ બાબતે પોલીસ સ્ટેશનના PI પંડિત સાથે વાત કરતા તેમણે કહ્યું કે, BSF કેમ્પસમાંથી બે આરોપી ભરતી પ્રક્રિયા દરમિયાન ફરાર થઇ ગયા હતા. બંને આરોપીઓની શોધખોળ ચાલુ છે અને ટૂંક સમયમાં તેમને ઝડપી લઈશું. ચિલોડા પોલીસ સ્ટેશનમાંથી અગાઉ પણ પ્રોહિબિશનના કેસમાં પકડાયેલા બે આરોપીઓ લઘુ શંકા કરવાનાં બહાને ટોયલેટની બારીમાંથી ફરાર થઇ ગયા હતાં. 4 કલાક બાદ આરોપીઓને પકડવામાં સફળતા મળી હતી.