આદિવાસી સમાજ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી એસ.ટી જ્ઞાતિને બચાવવા માટે તથા તેમને મળતો અનામતનો લાભ અન્ય લોકોને ન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં રબારી, ભરવાડ અને ચારણ જ્ઞાતિના ઉમેદવારો દ્વારા પોલીસ ભરતીમાં અન્યાય થયો હોવાની માગને લઈને રાજ્યમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને મંગળવારે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે સમસ્ત આદિવાસી સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી.
આ બેઠકમાં ઉમેદવારો દ્વારા કરવામાં આવનારી માગણીને ખોટી ઠેરવવામાં આવી હતી. આઉપરાંત આ બાબતની રજૂઆત સરકારમાં કરવાની રણનીતિ પણ નક્કી કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉ.પ્રદીપ ગરાસીયાએ કહ્યું કે, ગીર, બરડા અને આલોચના જંગલના નેશ વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણના 480 કુટુંબોને 1955ની એ.એસટી આયોગની ભલામણને આધારે 1956ના પ્રેસિડેન્સિયલ ઓર્ડરથી અનુસૂચિત જનજાતિના ગણવામાં આવ્યા છે. ત્યારે અન્યને અનુસૂચિત જાતિનો લાભ મળવાપાત્ર થતો નથી. આ ઉપરાંત ગીર, બરડા અને કાલેજ સિવાયના રબારી, ભરવાડ અને ચારણ જ્ઞાતિને 01,04,1978ના ઠરાવથી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં જે લોકો આંદોલન કરી રહ્યા છે તે, આ વિસ્તારના નથી. પરિણામે આ લોકોને એસ.ટી જ્ઞાતિનો લાભ મળી ન શકે.
આ અંગે રાજ્યના મુખ્યપ્રધાન, રાજ્યપાલ અને આદિજાતિ વિકાસ કમિશ્નરને લેખિત રજૂઆત કરવામાં આવશે. તેમ છતાં જો આદિવાસી સમાજના હક્કો પર તરાપ મારવાનું કારસ્તાન કરવામાં આવશે, તો આદિવાસી સમાજ બિલકુલ ચલાવી લેશે નહીં. જરૂર પડશે તો અહિંસક માર્ગે આંદોલન પણ કરવામાં આવશે. આ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય ડૉક્ટર અનિલ જોષીયારા સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.