- આદિવાસી સમાજ માટે વનબંધુ-2 યોજનાની જાહેરાત કરાઈ
- અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટ માટે વિકાસ યોજનાઓ
- આદિવાસી વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને ઉધોગ વધશે
ગાંધીનગર: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બજેટ રજૂ કરતા ગ્રુહમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 15 ટકા વસ્તી એટલે કે 90 લાખ લોકો આદિજાતિ સમાજના છે. તેમના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા. ત્યારે 2007માં વન બંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી હતી. જે અંતર્ગત 13 વર્ષમાં 96 હજાર કરોડની રકમ આદિજાતિ વિસ્તારના વિકાસ માટે વાપરવામાં આવી છે. આગામી પાંચ વર્ષ માટે એક લાખ કરોડની માતબર રકમ વનબંધુ કલ્યાણ યોજના-2 માટે અમલમાં મૂકવાની જાહેરાત નીતિન પટેલે કરી હતી. જેના વધામણાં આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાએ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ યોજનાથી 14 જિલ્લાના, 53 તાલુકાના 5884 ગામોની 90 વસ્તી ધરાવતા આ જ્ઞાતિ સમાજના વ્યક્તિગત અને સામુદાયિક લાભ સુનિશ્ચિત થશે અને તેમના અધિકારો અને સંસ્કૃતિનું જતન થશે.
2021-22 વર્ષની મહત્વની જોગવાઈઓ
નાણાકીય વર્ષ 2021-22 માટે આદિજાતિ વિકાસ વિભાગમાં કુલ 2656 કરોડની જોગવાઈ કરાઈ છે. જેમાંથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના 365 કરોડ, બિરસા મુંડા યુનિવર્સિટી માટે 36 કરોડ, અદ્યતન સુવિધાવાળા સમરસ હોસ્ટેલ માટે 22 કરોડ, આદિજાતિ વિદ્યાર્થીનીઓની સાયકલ માટે 19 કરોડ, આદિજાતિ સ્વાતંત્ર સેનાનીઓના રાજપીપળા ખાતે રાષ્ટ્રીય કક્ષાના સંગ્રહાલયના નિર્માણ માટે 26 કરોડ, આદિજાતિ વિસ્તારમાં મોબાઇલ નેટવર્કના ટાવર માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.