ગાંધીનગરઃ સિવિલ હોસ્પિટલ ગાંધીનગરમાં ફરજ બજાવતા અને સે-19 ખાતે રહેતાં 44 વર્ષીય મહિલા તબીબ અને પોતાનો બિઝનેસ ધરાવતાં તેમના 48 વર્ષીય પતિ કોરોનાગ્રસ્ત થયા છે, તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે. સેકટર-27 ખાતે રહેતી 78 વર્ષીય વૃદ્ધા અને 60 વર્ષીય મહિલા કોરોનાગ્રસ્ત થયાં છે. બંનેને સિવિલમાં દાખલ કરાયા છે.
કલોલ ખાતે સિન્ટેક્સ કંપનીમાં નોકરી કરતાં સેકટર-2 સી ખાતે રહેતાં 49 વર્ષીય પુરુષ, સેકટર-19માં રહેતા ગુજરાત સ્ટેટ પેટ્રો.લિ.ના 50 વર્ષીય આસી. મેનેજર કોરોનામાં સપડાયા છે. સેકટર-3ડી ખાતે રહેતા અને સે-24માં ખાનગી ક્લાસીસ ચલાવતા 34 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભરૂચ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા સે-13બીના 49 વર્ષીય પુરુષ અને સેકટર-3સીની મહિલા સંક્રમિત થયાં છે. સેકટર-13માં રહેતા અને શાહીબાગ ખાતે ફરજ બજાવતા 56 વર્ષીય પોલીસ ઈન્સ્પેક્ટર તથા સેકટર-27માં રહેતા 60 વર્ષીય બિલ્ડર કોરોનાગ્રસ્ત થયા છે. ગાંધીનગર મ્યુનિ. વિસ્તારમાં અત્યાર સુધી કોરોનાના 329 કેસ નોંધાયા છે અને 10 વ્યક્તિના મોત થયા છે.
ગાંધીનગર તાલુકામાં વધુ એક વખત 9 દર્દી સંક્રમિત થયા છે. તેમાં કસ્તુરીનગરમાં 5 વર્ષની બાળકી અને 30 વર્ષની યુવતી, રાંધેજામાં 51 અને 61 વર્ષના પુરૂષ, આડાલજમાં 13 વર્ષની બાળકી, પેથાપુરમાં 56 અને 40 વર્ષના પુરૂષ, રૂપાલમાં 35 વર્ષને યુવક અને વડોદરા ગામમાં 39 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે. જ્યારે બીજા ક્રમે પ્રથમ વખત માણસા તાલુકામાં કોરોનાનું સંક્રમણ એકાએક વધી ગયુ હોય તેમ એક જ દિવસમાં અધધ પોઝિટિવ કેસ નોંધાયા છે.
માણસા અર્બનમાં 31 વર્ષનો યુવક, 60 વર્ષની મહિલા અને 37 વર્ષનો યુવક, પ્રતાપનગર અને ફતેપુરામાં પણ 61 અને 44 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે. જ્યારે કલોલ તાલુકાના નારદીપુરમાં 28 વર્ષનો યુવક, બોરીસણામાં 45 વર્ષનો પુરૂષ અને કલોલ અર્બનમાં 40 વર્ષના યુવક સહિત 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત દહેગામ તાલુકાના નાંદોલ ગામમાં 36 વર્ષનો યુવક અને બારોટના મોસમપુરા ગામમાં 61 વર્ષની મહિલા સહિત બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યાનો આંકડો 825 ઉપર પહોંચ્યો હોવાનું સત્તાવાર રીતે જણાવાયુ છે.
માણસા તાલુકામાં એક જ દિવસમાં 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. માણસા શહેરમાં નોંધાયેલા 7 કેસ પૈકી 38 વર્ષના નગરપાલિકાના કર્મચારી, 53 વર્ષના દુકાનદાર, 69 વર્ષના વૃદ્ધા, 60 વર્ષના વૃધ્ધા, 37 વર્ષના શિક્ષક, 58 વર્ષના એક દુકાનદાર અને 77 વર્ષના વૃધ્ધ કોરોનામાં સપડાયા છે. આ ઉપરાંત માણસા પાસેના ફતેપુરા ગામના સરપંચ તેમજ ગાંધીનગર ખાતેની કંપનીમાં નોકરી કરતો સોલૈયા ગામનો 33 વર્ષનો યુવક કોરોનામાં સપડાયો છે.