ગાંધીનગર: મંગળવારે વિધાનસભા સત્રમાં NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા આવી પહોંચ્યા હતા. રાજ્યસભાની ચૂંટણીને લઇને કાંધલ જાડેજા ગાંધીનગર આવ્યા હોય તેવી વાતો વહેતી થઈ હતી. આ દરમિયાન કાંધલ જાડેજાએ ઈટીવી ભારત સાથે ખાસ ચર્ચા કરતાં જણાવ્યું હતું કે, આજે હું વિધાનસભામાં હાજરી પુરાવા માટે આવ્યો હતો. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદિપસિંહ જાડેજા સાથે મારી મુલાકાત થઈ નથી.
રાજ્યસભા ચૂંટણીની વાત કરતાં જાડેજાએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર રાજ્યમાં કોંગ્રેસ પક્ષ સાથે NCPનું ગઠબંધન છે. જેથી ગુજરાતમાં પણ આ ગઠબંધન ચાલુ જ રહેશે. આ ઉપરાંત જો વાત રહી રાજ્યસભાની ચૂંટણીમાં વોટિંગ કરવાની તો NCPનું મોવડી મંડળ કેહેશે તે મુજબ વોટિંગ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત NCPના વડા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ તરફ વોટિંગ કરવાની વાતને ટેકો આપ્યો હતો.
મંગળવારે ગાંધીનગરમાં કાંધલ જાડેજા વતી NCPના પૂર્વ ધારાસભ્ય જયંત બોસકી અને NCPના પ્રવક્તાઓ પ્રધાન મંડળ નિવાસ સ્થાને પહોંચ્યા હતા. આ ઉપરાંત તેમની બેઠક રાજય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા સાથે થઇ હોવાની પણ વાતો વહેતી થઇ હતી. આમ બેઠક બાદ કોંગ્રેસને સમર્થન આપતા વ્હીપ જાહેર કરવાના નિવેદનોના છેદ ઉડતા હોય તેવું લાગી રહ્યું હતું. આ ઉપરાંત પાછલા બારણે રાજ્યસભાની ચૂંટણીમાં NCPનો એક મત ભાજપ તરફી હોય તેવું પણ લાગી રહ્યું છે.