રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન બાદ એક પછી એક સમાજ અનામતને લઈને આંદોલન કરી રહ્યાં છે. ગાંધીનગર શહેરમાં આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે એક મહિના કરતાં વધુ સમયથી એક યા બીજા પ્રકારે આંદોલનો અને ધરણા જોવા મળી રહ્યાં છે. ગીર વિસ્તારના નેસમાં રહેતા માલધારી સમાજ દ્વારા સરકારી નોકરીમાં તેમને અન્યાય થયો હોવાની વાતને લઈને એક મહિના કરતાં વધુ સમયથી સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેને લઇને હવે સરકાર દબાણમાં આવીને એસટી કોટામાં સમાવેશ ન કરે તે લઈને આદિવાસી સમાજ વિરોધમાં આવ્યો છે.
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આજથી આંદોલન શરૂ કરનાર આદિવાસી સમાજના આગેવાન રાજુ વલવાઇએ કહ્યું કે, ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે રબારી, ચારણ અને ભરવાડ સમાજ દ્વારા સરકારી નોકરીઓમાં તેમનો એસટી ક્વોટામાં સમાવેશ કરવામાં આવે તેવી માગ સાથે અન્યાય થઈ રહ્યો હોવાની વાત કરવામાં આવી રહી છે. એક મહિના કરતાં વધુ સમયથી આંદોલન ચાલુ છે ત્યારે અમને એવી શંકા છે કે સરકાર દબાણમાં આવીને માલધારી સમાજને એસ.ટી.માં સમાવેશ કરશે
ગીર વિસ્તારમાં રહેતાં લોકો વર્ષોથી બહાર નીકળી ગયાં છે. જેને લઇને તેમની અનામત મળી શકે તેમ નથી. ત્યારે સરકાર દબાણમાં આવીને તેમને અનામત ન આપે તેને લઈને અને અમારા સમાજના વિદ્યાર્થીઓના ભવિષ્ય બચાવવા માટે આજથી સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરવામાં આવી રહ્યાં છે. જો સરકાર માલધારી સમાજનો સમાવેશ અનામતમાં કરશે, તો આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે.