- રાજ્યમાં 1 માર્ચથી શરૂ થશે વેક્સિનેશનનો ત્રીજો તબક્કો
- 60 વર્ષથી વધુના ઉંમર અને 45 વર્ષથી વધુ અને ગંભીર બીમારી પીડાતા લોકોને આપવામાં આવશે રસી
- ઓનલાઇન અને ઓફલાઇન કરાવી શકાશે રજિસ્ટ્રેશન
- રાજ્યમાં નાગરિકોને વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે60 વર્ષથી વધુના ઉંમર અને 45 વર્ષથી વધુ અને ગંભીર બીમારી પીડાતા લોકોને આપવામાં આવશે રસી
ગાંધીનગર : વેક્સિન દેવાની પ્રક્રિયા બાબતે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ સ્પષ્ટતા કરી હતી કે જે લોકોને વેક્સિન લેવી છે તે લોકો પ્રથમ તબક્કામાં મોબાઇલથી રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ બાબતે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ એક સોફ્ટવેર અથવા તો એપ્લિકેશન લોન્ચ કરશે. જ્યારે આરોગ્ય સેતુ પણ રજિસ્ટ્રેશન કરાવી શકાશે. એક મોબાઈલ નંબર પરથી વધુમાં ચાર જેટલા રજિસ્ટ્રેશન થઇ શકશે. આ ઉપરાંત જે વ્યક્તિ પાસે લેટેસ્ટ મોબાઈલ ન હોય તો તેવા લોકો આસપાસમાં આવેલ સરકારી હોસ્પિટલમાં સીએચસી અને પીએચસી સેન્ટરમાં જઈને પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે.
સરકારી હોસ્પિટલમાંમાં ફ્રી અને ખાનગી હોસ્પિટલમાં ચાર્જ
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સને ધ્યાનમાં લઈએ તો સરકારી હોસ્પિટલમાં જે પણ લોકો કોરોનાની વેક્સિન લેવા માટે આવશે, તેઓને ફ્રીમાં આપવામાં આવશે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં જે લોકો જશે તેઓએ રજિસ્ટ્રેશન માટે 100 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આ ઉપરાંત વેક્સિન માટેના અલગથી ચાર્જ ભરવાનો રહેશે. આ ચાર્જ કેટલો રહેશે તે હજી સુધી કેન્દ્ર સરકારે જાહેર કર્યું નથી. આમ ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકાર ખાનગી હોસ્પિટલમાં વેક્સિનેશન માટેનો ચાર્જ પણ જાહેર કરશે.
ધારાસભ્યો, પ્રધાનો ક્યારે વેક્સિન લેશે તે હજુ સ્પષ્ટ નહીં
60 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન માટેની પ્રક્રિયા 1 માર્ચના રોજ શરૂ થઇ રહી છે ત્યારે ગુજરાત સરકારમાં અનેક ધારાસભ્યો અને પ્રધાનો 60 વર્ષથી વધુની ઉંમરના હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકારના પ્રધાનો અને ધારાસભ્યો ક્યારે વેક્સિન લેશે તે અંગે હજુ પણ સ્પષ્ટતા નથી. જ્યારે આ બાબતે રાજ્યના આરોગ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે વેક્સિનેશન માટે પહેલા જાહેર જનતાને અગ્રતા આપવામાં આવશે ત્યારબાદ અમે જઈશું. આ બાબતે અમે પણ હજુ ચર્ચા-વિચારણા કર્યા બાદ વેક્સિન લઈશું. હું 60 વર્ષની ઉંમરનો છું જેથી હું વેક્સિન લેવાનો હકદાર થયો છું, પરંતુ ક્યારે તે ચર્ચા-વિચારણા કર્યા બાદ ખબર પડશે.