- 31 ડિસેમ્બર 2020 સુધીમાં ગત 2 વર્ષ દરમિયાન 944.29 લાખની રોયલ્ટી મળી
- સફેદ રણમાં છેલ્લા 2 વર્ષમાં 355.68 લાખની આવક થઈ
- રણોત્સવથી સ્થાનિક રોજગારીમાં કેટલો વધારો થયો તે બાબતે મૂલ્યાંકન બાકી હોવાનો સરકારનો લેખિત જવાબ
ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે રણોત્સવ, પતંગ મહોત્સવ જેવા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં રાપરના ધારાસભ્ય સંતોક આરેઠીયાએ રાજ્ય સરકારને રણોત્સવમાં રાજ્યને મળેલી રોયલ્ટીની આવક બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે જવાબ આપતા જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને રણોઉત્સવના માધ્યમથી રોયલ્ટી પેટે 944.29 લાખની આવક થઇ છે.
સફેદ રણમાં એન્ટ્રી ફીની આવક 355.68 લાખ
આ ઉપરાંત પ્રશ્નોત્તરીમાં રાજ્ય સરકારને છેલ્લા બે વર્ષ દરમિયાન સફેદ રણમાં એન્ટ્રી ફી બાબતની કેટલી આવક નોંધાઇ છે. જે બાબતે રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, 1-1-2019થી 31 ડીસેમ્બર 2019 સુધી સફેદ રણમાં એન્ટ્રી ફીની 210.63 લાખ અને 01-01-2020 થી 31-12-2020 સુધી કુલ 145.05 લાખ મળીને કુલ 2 વર્ષમાં 355.68 લાખની આવક સરકારને થઈ છે.
રોજગારી બાબતે મૂલ્યાંકન બાકી
મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા જે મહોત્સવ યોજવામાં આવે છે. તેમજ સ્થાનિક રોજગારી મળી રહે તે પણ હેતુ મહત્વનો હોય છે, ત્યારે છેલ્લા બે વર્ષમાં રણોત્સવમાં રાજ્યને મળેલા આવક અને રોયલ્ટીની રકમ તો સરકારને સારી રીતે યાદ છે. પરંતુ આ બે વર્ષ દરમિયાન રોજગારીમાં વધારો થયો છે કે નહીં તે બાબતનો પ્રશ્ન કરતા રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, આ સમયગાળાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું ન હોવાથી રાજ્ય સરકાર હજી સુધી આ બાબતે અજાણ છે.
કોરોના અને લોકડાઉનને લીધે ખર્ચમાં ઘટાડો
વર્ષ 2020માં માર્ચ મહિનામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો અને કોરોનાની મહામારી જાહેર કરવામાં આવી હતી, ત્યારે અમદાવાદ શહેરમાં પ્રવાસન વિભાગ દ્વારા નવરાત્રી મહોત્સવ, આફ્રિકા ડે એન્ડ ફેશન શો તથા ગુરુનાનક દેવજી 550 વર્ષની ઉજવણી કરવામાં આવી નથી. જ્યારે વર્ષ 2019માં નવરાત્રી મહોત્સવમાં 1197.45 લાખ, પતંગ મહોત્સવમાં 749.23 લાખ, આફ્રિકા ડે એન્ડ ફેશન શોમાં 94.67 લાખ અને ગુરુનાનક દેવજી 550 વર્ષની ઉજવણીમાં 496.78 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 2020માં જાન્યુઆરી માસમાં પતંગમહોત્સવમાં 703.82 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ટકોર, ગૃહમાં 20 ધારાસભ્યો માસ્ક પહેર્યા વિના બેઠા