- રાજ્ય સરકારે મન મક્કમ કર્યું
- વિરોધના વંટોળ વચ્ચે શાળા શરૂ કરવાનું નોટિફિકેશન જાહેર કર્યું
- 23 નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વર્ગો શરૂ
- વાલીઓએ આપવું પડશે સહમતી પત્ર
ગાંધીનગર: દિવાળીના તહેવાર પહેલા 11 નવેમ્બરે મળેલી કેબિનેટ બેઠકમાં દિવાળીના વેકેશન બાદ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજીને કેબિનેટમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરી હતી, ત્યારે બુધવારના રોજ રાજ્ય સરકાર દ્વારા શાળાઓ ખોલવા બાબતનું નોટિફિકેશન જાહેર કરીને સરકારે શાળાઓ શરૂ કરવાનું મન બનાવી લીધું છે.
રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળાઓ શરૂ કરવાની જાહેરાત બાદ રાજ્યમાં વાલીઓ દ્વારા સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યારે અમુક વાલીઓ એવું પણ કહેતા હતા કે અમે બાળકોને કોરોના કાળમાં શાળાએ મોકલીશું નહીં, પરંતુ વિરોધના વંટોળ વચ્ચે પણ બુધવારના રોજ રાજ્ય સરકારે શાળાઓ શરૂ કરવાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.
સરકારે નોટિફિકેશનમાં શું જાહેર કર્યું?
- 23 નવેમ્બરથી તમામ સરકારી ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણકાર્ય ફરીથી શરૂ કરવામાં આવશે, શૈક્ષણિક કાર્યમાં હાજરી આપવી વિદ્યાર્થીઓ માટે સ્વેચ્છિક રહેશે તથા તે માટે સંબંધિત સંસ્થાએ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિપત્ર લેવું ફરજિયાત રહેશે.
- અઠવાડિયામાં સોમવાર,બુધવાર અને શુક્રવારના રોજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવાના રહેશે, જ્યારે મંગળવાર, ગુરુવાર અને શનિવારના રોજ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવાના રહેશે.
- વિદ્યાર્થીઓની સંખ્યા તથા વિષયની જરૂરિયાત તેમજ જટિલતાને ધ્યાને લઇને શાળાઓએ વર્ગ સંખ્યા ગોઠવવાની રહેશે, જેથી 2 વિદ્યાર્થીઓ વચ્ચે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા પ્રમાણે સામાજિક અંતર જળવાય તે મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવાની રહેશે, જ્યારે ક્યા વિષય અને અભ્યાસક્રમ માટે કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની રહેશે તે અંગેનો નિર્ણય શાળાના આચાર્ય દ્વારા લેવામાં આવશે.
- વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ અન્ય તમામ કર્મચારીઓ માટે માસ્ક પણ ફરજિયાત રહેશે અને સતત મોનિટરિંગ દ્વારા કોઈપણ સંક્રમિત અથવા લક્ષણો ધરાવતા વિદ્યાર્થી અથવા શિક્ષકો શાળામાં ન પ્રવેશે તેની કાળજી સત્તાધીશોએ લેવાની રહેશે.
- કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેતા હોય તેવા અથવા પરિવારમાં કોરોના સંક્રમિત હોય તેવા વિદ્યાર્થી કે સ્થાપના કોઈપણ વ્યક્તિ શાળામાં હાજર રહી શકશે નહીં, કન્ટેનમેન્ટ ઝોનના વિસ્તારમાં શાળા હોય તો શાળા ખોલી શકાશે નહીં.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં શાળા ખોલવા અંગેના નિર્ણયમાં વાલીઓ વિરોધ કરી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે શાળાઓ શરૂ કરવા માટેનું સત્તાવાર નોટીફીકેશન પણ બહાર પાડ્યું છે. ત્યારે શાળા શરૂ થશે તે દરમિયાન કેટલા વિદ્યાર્થીઓ શાળાએ આવશે તે જોવું રહ્યું.