- સરકારે પત્રકાર પરિષદ યોજી
- કોરોના સંબંધિત આપી માહિતી
- ગુજરાતની સ્થિતિમાં થયો સુધારો
ગાંધીનગરઃ આજે શનિવારે સરકારે પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જયારે કોઇ પરિવાર-કુટુંબમાં મોભીનું મૃત્યુ થાય ત્યારે તેમને મરણ પ્રમાણપત્રની બેન્ક, ઇન્સ્યોરન્સ, LIC જેવી વિવિધ બાબતો માટે જરૂર પડતી હોય છે. સ્વજનના મૃત્યુના દુ:ખદ સમયે ઘર-પરિવારને આ ઓનલાઇન પદ્ધતિથી ઘરે બેઠાં સરળતાથી પ્રમાણપત્ર મળી રહે તેવી સંવેદનાશીલતા સાથે આ પારદર્શી પદ્ધતિ વિકસાવવામાં આવી છે અને વિવિધ વિષયો માટે ડેથ સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે. આવા સંજોગોમાં કોઇવાર એક જ મૃત્યુના કિસ્સામાં એકથી વધુ વખત રજીસ્ટ્રેશન થયું હોય તેવી શક્યતા નકારી શકાતી નથી. જેના પરિણામે, ઇશ્યુ ડેથ સર્ટિફિકેટ અને થયેલા મૃત્યુની સંખ્યામાં તફાવત હોઇ શકે છે. એટલું જ નહીં, પરિવારમાં થયેલા મૃત્યુથી શોકમગ્ન પરિવારો અન્ય વિધિઓ, રીતી-રિવાજો વગેરેને કારણે મૃત્યુ થયાના સમયે જ મરણ નોંધણી પ્રમાણપત્ર માટે રજીસ્ટ્રેશન કરાવી ન જ શકે તે સ્વાભાવિક છે.
આ પણ વાંચોઃ ગુજરાત કોરોના અપડેટ : કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, 27 દિવસે 10 હજારથી ઓછા પોઝિટિવ કેસ નોંધાયા
કોવિડ-19થી થતા મૃત્યુની સંખ્યા માટે ચોક્કસ પ્રસ્થાપિત પદ્ધતિ
આ ઉપરાંત જયારે મૃત્યુના આંકડાની ટકાવારીની સરખામણી પાછલા કે અગાઉના વર્ષો સાથે કરવામાં આવે, ત્યારે જનસંખ્યામાં થયેલી વૃદ્ધિ તેમજ કુદરતી મૃત્યુના આંકડા પણ ધ્યાને લેવાવા જોઇએ. કોવિડ-19થી થતા મૃત્યુની સંખ્યા માટે જે ચોક્કસ પ્રસ્થાપિત પદ્ધતિ કોરોના ડેથ પ્રોટોકોલ અન્વયે અપનાવવામાં આવી છે, તેનું રાજ્ય સરકાર દ્વારા યોગ્ય પાલન કરવામાં આવી રહ્યું છે.
કોરોના સંક્રમણ નિયંત્રણમાં મહદઅંશે સફળતા
પત્રકાર પરિષદમાં સરકારે જણાવ્યું કે, વિશ્વવ્યાપી કોરોના મહામારી સામે ગુજરાતે જનસહયોગ, તબીબી જગત અને રાજ્ય સરકારના સહિયારા પુરૂષાર્થથી જંગ આદરીને કોરોના સંક્રમણ નિયંત્રણમાં મહદઅંશે સફળતા મેળવી છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાની શરૂઆતથી જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના માર્ગદર્શનમાં રાજ્યના આરોગ્ય વિભાગે કોરોના સંક્રમણ નિયંત્રણના અને સારવારના સઘન ઉપાયો હાથ ધર્યા છે.
હોસ્પિટલમાં 1 લાખ કરતાં વધુ બેડની વ્યવસ્થા
સરકારે હોસ્પિટલોમાં બેડની સંખ્યા પણ હાલ 1 લાખથી વધુ કરી છે. આ સાથે જ ઓક્સિજનનો પુરવઠો પણ સતત-અવિરત આપીને કોઇ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે એક પણ કોઇપણ વ્યક્તિએ જાન ગુમાવવો ન પડે તેની વિશેષ કાળજી લીધી છે. આ ઉપરાંત ધન્વંતરી આરોગ્ય રથ, સંજીવની રથ, 104 હેલ્પ લાઇન આ બધા જ ઉપચાર-સારવાર માધ્યમોથી રાજ્યમાં કોરોનાગ્રસ્તોની ઝડપી સારવાર-ટ્રીટમેન્ટ થઇ રહી છે.
1 કરોડ 47 લાખ ડોઝનું રસીકરણ
કોરોના નિયંત્રણ અંગે વાત કરતાં સરકારે જણાવ્યું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના ગામડાંઓને કોરોના મુક્ત રાખવા ‘‘મારૂં ગામ, કોરોના મુક્ત ગામ’’નું જન અભિયાન 1 મેથી શરૂ કરીને ગ્રામીણ વિસ્તારોમાં 1.35 લાખ બેડની સુવિધા સાથેના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની પણ સુવિધા ઉભી કરી છે. આ સાથે જ કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન- રસીકરણની કામગીરી પણ સમગ્ર રાજ્યમાં વેગવાન બનાવીને 1 કરોડ 47 લાખ ડોઝનું અત્યાર સુધી રસીકરણ કર્યું છે.
રિકવરી રેટમાં સુધારો
કોરોના એક્ટિવ કેસની વાત કરતા સરકારે જણાવ્યું કે, કોરોના સામે લોક સહયોગ-જનજાગૃતિ અને અસરકારક સારવારના પરિણામે રાજ્યમાં ગત એક અઠવાડિયામાં કેસોની સંખ્યામાં સતત ઘટાડો થતો રહ્યો છે. શુક્રવારે પોઝિટિવ કેસની સંખ્યા 10,000 કરતાં પણ ઓછી નોંધાઈ છે અને 15,000થી વધુ દર્દી સાજા થયા છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ હવે રિકવરી રેટ ઝડપી વધી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, શનિવારે કેન્દ્ર સરકારે કોરોના અંગે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં લવ અગ્રવાલે પણ ટાંક્યું હતું કે, ગુજરાતમાં કોરોના રિકવરી રેટ વધી રહ્યો છે અને પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.