- GPSC અને GTUના માર્ગે શિક્ષણબોર્ડ
- શિક્ષણબોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પેપરની ઉત્તરવહીની ઓનલાઇન ચકાસણી કરશે
- GTU અને GPSC હાલ ઓનલાઈન પેપરની ચકાસણી કરી રહી છે
ગાંધીનગર: સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરની ઉત્તરવહીની ચકાસણી GPSC, UPSC દ્વારા ઓનલાઇન કરવામાં આવે છે, ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના ઉત્તરવહીની તપાસણી ઓનલાઈન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
છેલ્લા 4 વર્ષથી સિસ્ટમ ડેવલોપ કરવામાં આવી રહી છે
રાજ્યના શિક્ષણ બોર્ડના સચિવ ડી. એસ. પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી ઓનલાઇન ચકાસણી માટેની સિસ્ટમ ડેવલપ કરવામાં આવી રહી છે. 4 વર્ષથી શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઈન સિસ્ટમ તૈયાર કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા હતા, ત્યારે હવે આ વર્ષથી જ ઓનલાઈન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. હાલ GTU અને GPSC ઓનલાઈન પેપરની ચકાસણી કરી રહી છે.
ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટશે
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પેપરની ઉત્તરવહીની ચકાસણી માટે પહેલા શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવતી હતી અને શિક્ષકોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અથવા તો અન્ય જગ્યાએ પેપરની ચકાસણી કરવા માટે જવું પડતું હતું. પરંતુ હવે ઓનલાઈન સિસ્ટમ આવવાના કારણે શિક્ષકોને અન્ય જગ્યાએ પેપર તપાસવા માટે જવું નહીં પડે, જેથી રાજ્યના શિક્ષણ બોર્ડ પર પડતો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચનો ભાર પણ હવે હળવો થશે.
અત્યારે ફક્ત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પેપરની ઓનલાઈન ચકાસણી
રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પેપરનું ઓનલાઈન તપાસ અને ચકાસણી કરવાનું શરૂ કરવામાં આવશે. જ્યારે આગામી સમયમાં સિસ્ટમમાં સુધારો વધારો કરવામાં આવશે, ત્યારબાદ ધોરણ-10 અને 12ના અન્ય પ્રવાહોના પેપરની તપાસણી પણ ઓનલાઇન શરૂ કરવામાં આવશે.