અમદાવાદ/કેવડિયા/ વડોદરા/જૂનાગઢ: લોકડાઉન બાદ તબક્કાવાર અનલોકની કેટલીક છુટછાટ સાથે ગુજરાતમાં અનેક પ્રવાસન સ્થળો રાબેતા મુજબ શરુ થઈ ગયા છે. જો કે, પ્રવાસીઓની સંખ્યા જોઈએ એટલી થતી નથી અને પરિણામે તાજેતરમાં જ શરુ થયેલી આ પ્રવાસન સ્થળોની સેવાઓને અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં વિશ્વની સૌથી મોટી પ્રતિમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને ગિરનાર રોપ-વેનો પણ સમાવેશ થાય છે.
કેવડીયા મેમુ ટ્રેનને પેસેન્જર નહીં મળતાં 4 કોચ ઓછા કરાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઑફ યુનિટી પર પ્રવસીઓને સમગ્ર દેશમાંથી કેવડિયા લાવવા માટે પ્રથમવાર ઇલેક્ટ્રિક ઝડપી રેલનો પ્રારંભ થયો છે. વડોદરાથી રોજે 3 મેમુ પેસેન્જર ટ્રેન કેવડિયા ખાતે જાય છે. આ અગાઉ 12 કોચની ગાડી હતી, પરંતુ પ્રવાસીઓની સંખ્યા ઘટતા હવે 8 કોચ કરી દેવામાં આવ્યા છે. ગત 3 દિવસમાં વડોદરાથી કેવડીયાએ જવા 600 જેટલા પ્રવાસી મળી આવ્યા છે. આ અંગે રેલવેના પી.આર.ઓ ખેમરાજ મીણાએ ETV Bharatને જણાવ્યું હતું કે, પ્રતાપનગરથી કેવડિયા રોજે 3 પેસેન્જર ટ્રેન રવાના થાય છે. વડોદરાથી કેવડીયાનું 35 અને ડભોઇનું 25 રૂપિયા ભાડું છે. આમ છતાં ગત 3 દિવસમાં પ્રવાસીની સંખ્યા ઘટતાં મેમુ પેસેન્જર ટ્રેનમાં 12 કોચમાંથી 4 કોચ ઘટાડવામાં આવ્યા છે. જેથી હવે આ ટ્રેન 8 કોચ સાથે દોડતી દેખાશે.
સ્ટેચ્યૂ ઑફ યુનિટી પર પ્રવાસીઓને આવકારવા ટિકિટની મર્યાદાની સંખ્યા વધારવામાં આવી
કોરોના મહામારીમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી 8 મહિના પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું અને આ કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઑફ યુનિટીને પ્રવાસીઓ માટે 31 ઓક્ટોબર 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રવાસીઓ માટે ખુલ્લું કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાંથી લોકો અહીં આવી શકે તે માટે 1 નવેમ્બરથી પ્રવાસીઓ માટે લિમિટેડ ઓનલાઇન ટિકિટ રાખી હતી. જેથી પ્રવાસીઓ આવતા થયા હતા. જેમાં 1 નવેમ્બરથી એન્ટ્રી ટિકિટ 2,500 પ્રવાસીઓ માટે અને વ્યૂઈંગ ગેલેરીમાં 500 આમ પ્રવાસીઓને 5 સ્લોટ પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા 7,000 પ્રવાસીઓની વ્યવસ્થા કરવામાં આવી છે અને પ્રવાસીઓને આવકારવા એન્ટ્રી ટિકિટમાં મર્યાદા પણ કાઢી નાખવામાં આવી છે. ગત 30 અને 31મી ઓક્ટોબર 2020 સી-પ્લેન સહિત વડાપ્રધાને અહીં પ્રવાસન માટેના અન્ય આકર્ષણના કેટલાક કેન્દ્રોનું પણ લોકાર્પણ કર્યું હતું અને તાજેતરમાં દેશના સૌપ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન કેવડિયાના નવા રેલવે સ્ટેશનનું પણ ઈ-ઉદ્ઘાટન કર્યું અને સમગ્ર દેશમાંથી પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત લઈ શકે તે માટે 8 નવી ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપી હતી. 31 ઓક્ટોબર 2020થી અત્યાર સુધી પ્રવાસીઓની સંખ્યાના આંકડા જોઈએ તો નવેમ્બર 2020માં 20,000, ડિસેમ્બર 2020માં 37,000 અને હવે 2021માં 1 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધીમાં રોજના 12,000 કરતાં વધુ પ્રવાસીઓ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યૂ ઑફ યુનિટીને જોવા માટે રોજના 1 લાખ પ્રવાસીઓ જોવા આવશે તેવો આશાવાદ વડાપ્રધાને વ્યક્ત કર્યો છે.
ગિરનાર રોપ-વે શરૂ થયાને ૯૦ દિવસમાં 4 કરતાં વધુ કિસ્સામાં કેટલીક કલાક માટે બંધ રખાયો
એશિયાના સૌથી લાંબો જૂનાગઢનો ગિરનાર રોપ-વે ગત ૨૪ ઓકટોબરના દિવસે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. ગિરનાર રોપ-વે થોડા દિવસો બાદ 3 મહિના પૂર્ણ કરવા જઈ રહ્યો છે, ત્યારે આ સમયગાળા દરમિયાન 4 કરતાં વધુ કિસ્સાઓમાં ગિરનાર રોપ-વેનું સંચાલન ખાસ કરીને સવારના સમયે બંધ રાખવાની ફરજ કંપનીના સંચાલકોને પડી છે. ગિરનાર રોપ-વેના ફરજ પરના અધિકારી મનોજ પવારે ટેલિફોનિક વાતચીતમાં ETV BHARATને જણાવ્યું કે "શિયાળા દરમિયાન ગિરનાર પર્વત પર પવનની તીવ્રતા વધુ હોવાને કારણે પણ ગિરનાર રોપ-વેને પાછલા ત્રણ મહિનામાં 2 વખત સવારના સમયે સંચાલન અટકાવી દેવામાં આવ્યું હતું." આ રોપ-વે શરુ થયાના પહેલા અઠવાડિયામાં ફુલ કેપેસિટીથી ચાલ્યો હતો. એક કલાકના 4 ફેરા લેખે અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ 3,000 લોકોએ આ રોપ-વેની મોજ માણી હતી, પરંતુ ત્યાર બાદના દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘડાટો થવા લાગ્યો અને દિવાળી પછી આ સંખ્યા વધુ ઘટી રહી છે. ૧ જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી સુધીમાં રોજના આશરે 1,500 લોકો જ આ રોપ-વેથી ગિરનાર પર્વત પર ગયા છે. ગત 22 દિવસમાં 35,000 પ્રવાસીઓએ રોપ-વેની સફર કરી હોવાનું જાણવા મળ્યું છે.
સી-પ્લેન સેવાને પણ અસર
31 ઓક્ટોબરે કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પરની સૌ પ્રથમ ઉડાનના સૌથી પહેલા પ્રવાસી બનીને વડાપ્રધાન મોદીએ આ મહત્વાકાંક્ષી સી-પ્લેન સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ આ સેવા શરુ થયાના એક મહિનામાં જ આ સેવા 2 વખત બંધ રહી હતી. કારણ કે, આ સેવામાં વપરાતું પ્લેન 50 વર્ષ જૂનું છે. સી- પ્લેનમાં અત્યાર સુધીમાં કેટલા લોકોએ સીધા કેવડિયા જવા માટે લાભ લીધો એ અંગે જાણકારી મેળવવાનો ETV BHARAT તરફથી સંચાલકોને મેલ કરવામાં આવ્યો હતો, જે અંગે સંચાલકો તરફથી કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. મહત્વનું છે ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા શરુ કરાયોલા આ ત્રણેય પ્રોજેક્ટ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સ છે.