ગાંધીનગર : પાક સર્વે બાબતે રાજ્યના કૃષિપ્રધાન આર.સી.ફળદુએ કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સતત પડી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે. જ્યારે અનેક વિસ્તારોમાં સતત અને અવિરત વરસાદ પડવાથી ખેતરોમાં પાણી પણ ભરાઇ ગયાં છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ખેડૂતોને પણ ઉભા પાકોને નુકસાન થયું છે.
આજની બેઠકમાં રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાન બાબતની ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરવાની મહેસૂલ વિભાગ અને કૃષિ વિભાગને સૂચના આપવામાં આવી છે. આવનારા પંદર દિવસની અંદર આ સર્વે પૂર્ણ કરવામાં આવશે અને સર્વે બાદ જે અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરશે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર એસડીઆરએફના ધારાધોરણ પ્રમાણે ખેડૂતોને આર્થિક મદદ કરશે.
ઉલ્લેખનીય છે કે, આજની બેઠકમાં રાજ્ય સરકારે ખેડૂતોને થયેલા નુકસાન અંગેના સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે ત્યારે અગાઉ પણ ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થવાની રજૂઆત રાજ્યના સંસદસભ્યો અને ધારાસભ્યોને પણ સરકાર સમક્ષ કરી હોવાનું પણ નિવેદન રાજ્યના કૃષિ પ્રધાન આર. સી. ફળદુએ આપ્યું છે.