ગાંધીનગરઃ શહેરને ગ્રીન સીટીનું બિરુદ છીનવાઈ ગયું છે. વૃક્ષોના જંગલો ઘટી રહ્યા છે. જયારે સિમેન્ટ કોંક્રિટના જંગલો વધારો થઈ રહ્યો છે, એવા સમયે ગાંધીનગર શહેરનાં સેકટર 28માં આવેલી કલ્પતરૂ પાવર લિમિટેડ કંપની દ્વારા માલિકીની જગ્યામાં નવું બિલ્ડીંગ બનાવવાની કામગીરી કરવામાં આવનાર છે. ત્યારે તેમાં નડતરરૂપ 3 ઘટાદાર લીમડાના ઝાડનું વન વિભાગની પરમિશન વિના જ કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું.
આ બાબતની જાણ ડી.એફ.ઓ ભરત દેસાઈને થતા તેમના ફોરેસ્ટર મિતાલીબેન મકવાણાને સ્થળ ઉપર મોકલ્યા હતા. જ્યાં 3 લીમડા કાપી નાખવામાં આવેલા જોવા મળતા એક લીમડાના 5000 લેખે 15000 રૂપિયા દંડ કર્યો હતો. વન અધિકારીએ કહ્યું કે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યા હતા. જેને લઇને દંડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, કોઈપણ ઉભા વૃક્ષો કાપતા પહેલા વન વિભાગની પરમિશન લેવી જરૂરી છે. પરંતુ કંપનીના કર્તાહર્તા દ્વારા આ પ્રકારની કોઇ જ મંજૂરી લેવામાં આવી ન હતી.