- રાજ્યભરના શિક્ષકો માટે રાહતના સમાચાર
- જેટલા કલાક કામ કરતા હતા એટલા જ કલાક શિક્ષકોને કામ કરવાનું રહેશે
- છેલ્લા કેટલાક દિવસોથી શિક્ષકોના કામના કલાકને લઈને થઈ રહી હતી ચર્ચા
ગાંધીનગર: આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક યોજાઈ હતી જેમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. છેલ્લા 4-5 દિવસોથી ચાલી રહેલી શિક્ષકોની ડ્યુટીના સમયની ચર્ચા પર આજે પૂર્ણવિરામ મુકાયું છે. કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે શિક્ષક પહેલા જેટલા કલાક કામ કરતા હતા એટલા જ કલાક તેઓને કામ કરવાનું રહેશે. છેલ્લા 4-5 દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે શિક્ષકોઅ 8 કલાક કામ કરવું પડશે, જેને લઈને રાજ્યભરમાંથી શિક્ષકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો : રાજ્યમાં હવે વાગશે મ્યુઝિક પાર્ટી અને ડી.જે. બેન્ડ, ગૃહવિભાગ કરશે સત્તાવાર જાહેરાત
શિક્ષક દિવસના દિવસે કરવામાં આવી હતી જાહેરાત
શિક્ષક દિવસે ગુજરાત સરકારના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવ્યા બાદ જણાવ્યું હતુ કે, પ્રાથમિક શિક્ષકોએ ફરજિયાત આઠ કલાક સ્કૂલમાં હાજરી આપવી પડશે. જેથી શિક્ષકોએ અઠવાડિયાના 45 કલાક કામ કરવાનું રહેશે. આરટીઆઈના નિયમ મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકોએ સ્કૂલમાં આઠ કલાકની હાજરી આપવાની હોય છે. જેના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આરટીઆઇના નિયમોનું અલગ-અલગ અર્થઘટન કરીને અલગ-અલગ સમય પ્રમાણે શિક્ષકોને શાળાએ હાજરી માટે પરિપત્ર કરવામાં આવ્યો છે. જો કે આ અંગે થઈને શિક્ષકોમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો.