ગાંધીનગર: રાજ્યમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે, ત્યારે શુક્રવારે દિલ્હીથી કેન્દ્રીય આરોગ્ય ટીમ રાજ્યની મુલાકાતે આવી હતી. તેઓએ અમદાવાદમાં ખાનગી હોસ્પિટલની મુલાકાત લીધી હતી, ઉપરાંત રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેઠક પણ યોજી હતી, પરંતુ સિવિલ હોસ્પિટલનું નિરીક્ષણ ગાંધીનગરથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે CM ડેશ બોર્ડના માધ્યમથી જ કર્યું હતું.
મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજ્યમાં કોવિડ-19ના સંક્રમણ સામે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી મેળવવા માટે અમદાવાદ આવેલા કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ લવ કુમાર અગ્રવાલ સાથે ગાંધીનગરમાં બેઠક યોજી હતી.
લવ કુમાર અગ્રવાલને CM ડેશ બોર્ડના માધ્યમથી અમદાવાદની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડનું નિરીક્ષણ કરાવવામાં આવ્યું હતું. તેમજ ત્યાં સારવાર લઈ રહેલા સંક્રમિત દર્દીઓની સારવાર બાબતની જાણકારી આપાઇ હતી. CM રૂપાણીએ દર્દીઓની સારવાર કરી રહેલા તબીબો તેમજ પેરા મેડિકલ સ્ટાફની કામગીરી અંગે પણ CM ડેશ બોર્ડના વીડિયો વોલ મારફતે કેન્દ્રીય સંયુક્ત સચિવને નિરીક્ષણ કરાવ્યું હતું.