મળતી માહિતી પ્રમાણે મુળ ઉત્તરપ્રદેશના ઉમેશચંદ્ર રામસજીવન તિવારી કોલવડા ગામ પાસે ગોલ્ડ રત્ન ફ્લેટમાં એફ-201 ખાતે પરિવાર સાથે રહે છે. 24 નવેમ્બરે તેમની પુત્રીના લગ્ન હોવાથી તેઓ બધા પાર્ટી પ્લોટ હતાં. પ્રસંગ વિધિસર પુર્ણ થયા બાદ તેમનો પુત્ર અને પત્ની પાર્ટી પ્લોટથી ઘરે ગયા તો તેમના ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ. તેમણે જોયું તો ઘરના મુખ્ય દરવાજાનું તાળું તુટેલું હતું. ઘરમાં રહેલી બે તિજોરીઓના સામાન અસ્તવ્યસ્ત હતો અને લોકર પણ ખુલ્લા હતા. જેમાં તપાસ કરતાં 45 હજારનું દોઢ તોલાનું સોનાનું મંગળસુત્ર, 30 હજારના સોનાના ઝુમકા 2 નંગ, 20 હજારની સોનાની ચેઈન, ચાંદીનો કંદોરો, ઝાંઝરી મળી કુલ 1.28 લાખના દાગીના તથા 70 હજાર રોકડા મળી કુલ 1.98 લાખના જવેરાત ગૂમ હતા.
લગ્ન પ્રસંગ પૂર્ણ કર્યા બાદ તેમણે બીજા દિવસે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પેથાપુર પોલીસે ડૉગસ્કોડ અને એફએસએલની મદદથી ઘટના સ્થળની તપાસ કરી હતી. ચોરી રાત્રે અઢીથી પાંચ વચ્ચે થઈ હોવાનું સામે આવ્યું છે. કારણ કે, ફરિયાદીનો 24 વર્ષીય પુત્ર લગ્ન પ્રસંગે જરૂરી સામાન માટે પાર્ટી પ્લોટથી ઘરે અવરજવર કરતો હતો. તે રાત્રે છેલ્લે અઢી વાગ્યે ઘર બંધ કરીને ગયો હતો. ત્યાર બાદ તે માતા સાથે પાંચ વાગ્યે પરત આવ્યો ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. પોલીસને શંકા છે કે, ચોરીની આ ઘટનામાં કોઈ જાણભેદનો હાથ પણ હોય શકે. જેથી પોલીસે પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી ચોરને ઝડપી લેવા કાવાયત હાથધરી છે. જો કે, મળેલી માહિતી પ્રમાણે એક શંકાસ્પદ વ્યક્તિ CCTVમાં કેદ થયો છે જેને પગલે પોલીસે બંને દિશામાં તપાસ શરૂ કરી છે.