- રાજ્ય સરકારે લાયસન્સ અને RC બુકની મુદ્દતમાં કર્યો વધારો
- 31 ડિસેમ્બર-2020ને બદલે હવે 31 માર્ચ-2021 સુધી વધારી મુદ્દત
- લોકડાઉનની અસરને કારણે રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નિર્ણય
ગાંધીનગર: કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેના લીધે લોકોના અનેક કામ અટકી પડ્યા હતા. ગુજરાતની વાત કરવામાં આવે તો, લોકડાઉનના કારણે લોકોના લાયસન્સની મુદત પૂર્ણ થઈ ગઈ હતી અને વાહનોના રજિસ્ટ્રેશનની મુદત પણ પૂર્ણ થઈ ગઈ હતી, ત્યારે રાજ્ય સરકારે અગાઉ 31 ડિસેમ્બર સુધી મુદત વધારી હતી પરંતુ હજુ પણ સમય ઓછો પડતાં રાજ્ય સરકારે આ મુદત હવે 31 માર્ચ સુધી લંબાવી દીધી છે.
અગાઉ 31 ડિસેમ્બર-2020 સુધી વધારી હતી મુદ્દત
રાજ્ય સરકારે ડ્રાઈવિંગ લાયસન્સ અને RC બુક સહિતના દસ્તાવેજોની વેલીડીટીની મુદ્દત 31 ડિસેમ્બર-2020 સુધી વધારી હતી. પરંતુ ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયની એડવાઈઝરી પ્રમાણે 1 ફેબ્રુઆરી 2020 સુધી મુદત વીતી ગયેલા દસ્તાવેજોને 31 માર્ચ 2021 સુધી માન્ય રાખવા પડશે. જ્યારે એન્ફોર્સમેન્ટની કામગીરી દરમિયાન એન્ડોર્સમેન્ટ અધિકારી કર્મચારીઓએ આ એડવાઇઝરીને ધ્યાનમાં રાખીને કામગીરી કરવી પડશે.
નહીં ભોગવવો પડે વધારાનો ખર્ચ
ડ્રાઈવિંગ લાયસન્સ અને RC બુકની મુદત પૂર્ણ થઇ ગઇ હોય અને યોગ્ય સમયે ફરીથી રિન્યુ અથવા તો રિ-રજીસ્ટ્રેશન કરવામાં ન આવે તો દંડ પણ ભરવો પડી શકે છે. જોકે, રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે 31 માર્ચ 2021 સુધી વેલિડીટી વધારી છે ત્યારે હવે લાયસન્સ ધારકો અને વાહનચાલકોને વધારાનો ખર્ચ ભોગવવો નહીં પડે.
લોકડાઉનની અસર યથાવત
સમગ્ર દેશમાં જ્યારે કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે અનેક લોકોના લાયસન્સ અને વાહનોના રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયા હતા ત્યારે અનેક લોકોએ પ્રશ્ન પણ ઉપસ્થિત કર્યા હતા. તે દરમિયાન કેન્દ્ર સરકારે વેલિડિટી વધારવાની જાહેરાત કરી હતી અને હજુ પણ સતત એ વેલીડીટીમાં વધારો થઈ રહ્યો છે. જેથી કહી શકાય કે, લોકડાઉનની અસર હજી પણ દેખાઈ રહી છે.