- સરકારે ભરૂચ પોલીસની કામગીરીને બિરદાવી
- રાજ્ય સરકારે ભરૂચ પોલીસ માટે 5 લાખનું ઇનામ જાહેર કર્યું
- ભરૂચ પોલીસે હોસ્પિટલની આગમાં દર્દીઓના બચાવ્યા હતા જીવ
ગાંધીનગર : કોરોનાની બીજી લહેર ચાલી રહી હતી. ત્યારે અનેક દર્દીઓ વેન્ટિલેટર ઉપર સારવાર લઇ રહ્યા હતા. સતત વેન્ટિલેટર ચાલુ રહેતા અનેક જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. ભરૂચની કોવિડ હોસ્પિટલમાં પણ આગ લાગી હતી. મોડી રાત્રે લાગેલી આગમાં ભરૂચ પોલીસે પોતાનો જીવ જોખમમાં નાખીને દર્દીઓને બચાવ્યા હતા. જેના પગલે રાજ્ય સરકારે ભરૂચ પોલીસની કામગીરીને બિરદાવીને 5 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.
મુખ્યપ્રધાન રૂપાણીએ કરી જાહેરાત
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે ડૉક્ટર્સ ડે નિમિત્તે મહત્વની જાહેરાત કરી હતી. જે બાબતે રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ભરૂચના પોલીસ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટેની જે જાહેરાત કરી છે. તે સંવેદનશીલ સરકારનો મહત્વનો અને સંવેદનશીલ નિર્ણય છે.
25 દર્દીઓના જીવ બચાવ્યા હતા
પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ભરૂચ પોલીસના જવાનોએ હોસ્પિટલમાં જ્યારે આગ લાગી ત્યારે સમગ્ર કેમ્પસમાં અંધારું હતું. આ જવાનોએ ત્વરિત પહોંચીને વોર્ડના કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતા અને કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના જીવ બચાવ્યા હતા. આમ પોતાને જાનની પરવા કર્યા વગર કોરોનાની સારવાર લઈ રહેલા 25 જેટલા દર્દીઓનો જીવ ભરૂચ પોલીસના જવાનોએ બચાવ્યો હતો.
અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં પણ બની હતી આગની ઘટના
કોરોનાના સમય દરમિયાન અમદાવાદ રાજકોટ અને વડોદરામાં પણ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. આમ, કોરોનામાં સતત વેન્ટિલેટર કાર્યરત હોવાના કારણે પણ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આમ કોરોના દરમિયાન રાજકોટ વડોદરા અને ભરૂચમાં પણ હોસ્પિટલમાં મોટી આગની ઘટનાઓ સામે આવી હતી.