- કોરોનાના કેસો ઘટતા કોર કમિટીમાં લેવાયો નિર્ણય
- ઓનલાઇન શિક્ષણથી સ્વતંત્રતા મળી વિદ્યાર્થીઓને
- ફરી સ્કૂલો અને કોલેજોમાં વિદ્યાર્થીઓથી કેમ્પસ લાઈવ બનશે
ગાંધીનગર : છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ ઓનલાઇન ભણી રહ્યા હતા, ત્યારે હવે તેમને ઓનલાઇન શિક્ષણથી આઝાદી મળી છે. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, ગુરૂવારથી 50 ટકા કેપેસીટી સાથે વર્ગો શરૂ કરાશે. અત્યાર પૂરતી ઉચ્ચત્તર માધ્યમીક ધોરણ-12 ઉચ્ચશિક્ષણ અને ટેક્નિકલ કોલેજ-શિક્ષણ સંસ્થાઓ શરૂ કરાશે. જો કે, એ બાદ તબક્કાવાર બીજા ધોરણ પણ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો:રાજ્યમાં બંધ પડેલી સરકારી શાળાઓ ફરીથી શરૂ કરવા કોંગ્રેસના ધારાસભ્યની માગ
ધોરણ-12ની 8,333 શાળાઓના 6 લાખ અને યુનિવર્સિટીઓના 8.85 લાખ વિદ્યાર્થીઓ
રાજ્યમાં ધોરણ-12 ઉચ્ચત્તર માધ્યમીકની 8,333 શાળાઓના 6 લાખ 82 હજાર વિદ્યાર્થીઓ છે. સરકારી, અનુદાનિત, સેલ્ફ ફાયનાન્સ અને યુનિવર્સિટીઓમાં કુલ 1,609 વિદ્યાર્થીઓ, ઉચ્ચશિક્ષણ સંસ્થાનોમાં 8,85,206 વિદ્યાર્થીઓ તેમજ ઇજનેરી, ફાર્મસી અને પોલિટેક્નિક કોલેજ મળીને કુલ 489 ટેક્નિકલ શિક્ષણ સંસ્થાઓમાં 2,78,846 વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓનું અત્યાર સુધી ઓનલાઇન શિક્ષણ ચાલુ હતું પરંતુ ફરીથી હવે વિદ્યાર્થીઓથી કેમ્પસ લાઈવ બનશે. વિદ્યાર્થીઓએ સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવેલી ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે તેમજ જે તે સંસ્થાઓ અને સ્કૂલો તેમજ કોલેજોએ તેનું પાલન કરાવવું પડશે.
આ પણ વાંચો:સાબરકાંઠામાં 25 હજારથી વધારે વિદ્યાર્થીઓ માટે ધોરણ 6થી 8ની શાળાઓ શરૂ
વાલીઓની સંમતિ મેળવીને વર્ગો શરૂ થશે, વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે
કોર કમિટીની બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે, વાલીઓની સંમતિ મેળવીને જ શરૂ કરી શકાશે. એટલું જ નહિ, વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે. જે વાલીઓ તેમના બાળકોને સ્કૂલે મોકલવા માંગે છે તેઓની સહમતી પણ જરૂરી બની રહેશે. કોર કમિટીની આ બેઠકમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ અગ્ર સચિવ એસ. જે. હૈદર, મુખ્યપ્રધાનના સચિવ અશ્વિની કુમાર અને શિક્ષણ સચિવ વિનોદ રાવ ઉપસ્થિત રહ્યા હતા.