- કર્મચારીઓને દિવાળી પહેલા 5 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાશે
- આશ્રિતોને નાણાકીય સહાય ચુકવવામાં આવશે
- ડ્રાઈવર અને કંડક્ટરના ગ્રેડ પેમાં કરાયો વધારો
- 2 કલાક બેઠક બાદ હડતાળ સમેટાઈ
ગાંધીનગર:રાજ્યના વાહન વ્યવહાર કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, કર્મચારીની જે માગ હતી તે સ્વીકારવામાં આવી છે. જેમાં છેલ્લા કેટલાય વર્ષોથી કર્મચારીઓના આશ્રિતોને નોકરી અથવા તો નાણાકીય સહાયની જોગવાઇ એવી માગ પણ યુનિયન દ્વારા કરવામાં આવી હતી, ત્યારે રાજ્ય સરકાર કર્મચારીઓના આશ્રિતોને નોકરી નહીં પરંતુ ચાર લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે. આમ નોકરીના વિકલ્પના બદલે આર્થિક સહાય પણ અલગ-અલગ ત્રણ તબક્કામાં ચૂકવવામાં આવશે.
ડ્રાઇવર- કંડક્ટરના ગ્રેડ- પેમાં વધારો
છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત રાજ્યના એસટી બસના ડ્રાઇવર-કંડક્ટરના ગ્રેડ પેમાં વધારો કરવાની માગણી યુનિયન દ્વારા કરવામાં આવી હતી. બેઠકમાં રાજ્ય સરકારે ડ્રાઇવર અને કંડક્ટરના પેમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જે 1 નવેમ્બર 2021 થી લાગુ કરવામાં આવશે. આમ ડ્રાઈવરના ગ્રેડ પે નો વધારો 1800થી કરીને 1900 કરવામાં આવ્યો છે. જ્યારે કંડક્ટર માટે 1600 થી વધારીને 1800 રૂપિયાનું ગ્રેડ પે કરવામાં આવ્યો છે.
150 જેટલા કર્મચારીઓને આર્થિક સહાય
રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં લોકડાઉન દરમિયાન ફક્ત ગુજરાતમાં જ એસ.ટી.નિગમના ડ્રાઇવર કન્ડકટરોને નિયમિત તારીખે પગાર ચુકવણી કરવામાં આવતી હતી. જ્યારે કોરોના દરમિયાન જેટલા પણ ડ્રાઇવર અને કંડક્ટરના કોરોનાથી મૃત્યુ થયા છે તેમના પરિવારોને રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ વેકેશનને ધ્યાનમાં લઈને વ્યાખ્યામાં આવતા હશે તેઓને આર્થિક સહાય કે જે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તે પ્રમાણેની સહાય આપવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો 150 જેટલા ડ્રાઈવર-કન્ડક્ટર મૃત્યુ પામ્યા હોવાની વિગતો પણ સામે આવી રહી છે.
છેલ્લા 2 વર્ષનું બોનસ 1 નવેમ્બરે ચુકવવામાં આવશે
છેલ્લા બે વર્ષથી ગુજરાત રાજ્યના એસટી કર્મચારીઓને બોનસ આપવામાં નથી આવ્યું, ત્યારે છેલ્લા બે વર્ષનું બોનસ ચુકવણી કરવામાં આવશે. સાતમા પગાર પંચમાં મોંઘવારી ભથ્થું પણ 1 નવેમ્બરના રોજ એટલે કે દિવાળી પહેલા તમામ કર્મચારીઓને ચૂકવવામાં આવશે. જે કુલ રકમ 80 કરોડ રૂપિયા હોવાનું પૂર્ણેશ મોદીએ જણાવ્યું છે.
આ પણ વાંચો : હું જ્યાં પણ જાઉં છું, તેઓ મને અટકાવે છે: લખનઉથી આગ્રા જતા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીની પોલીસે અટકાયત કરી
આ પણ વાંચો : Cabinet meeting માં ખેડૂતો માટે ૫૪૬ કરોડનું પેકેજ કરાયું જાહેર