ગાંધીનગરમાં શ્રાવણ માસના તહેવારોની જાહેરમાં ઉજવણી થશે નહીં
- જન્માષ્ટમી સહિત એક પણ તહેવારની જાહેરમાં ઉજવણી નહીં કરી શકાય
- કોરોના વાઇરસના ખતરાને લઇ લેવાયો નિર્ણય
- લોકો પોતાના ઘરે કરી શકે છે ઉજવણી
ગાંધીનગરઃ પવિત્ર શ્રાવણ માસની શરૂઆતના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શ્રાવણ માસમાં જન્માષ્ટમી સહિત અનેક તહેવારો આવે છે અને તેને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે શ્રાવણ માસમાં ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જાહેરમાં ઉજવણી નહીં થઈ શકે.
આ બાબતે ગાંધીનગર કલેકટર કુલદીપ આર્યે જણાવ્યું હતું કે જાહેરમાં કાર્યક્રમ બાબતે અત્યાર સુધીમાં ચાર જેટલી અરજીઓ આવી ચૂકી છે, પરંતુ તમામ અરજીઓને દાખલ કરવામાં આવશે સાથે જ તમામ આયોજકો સાથે પણ ખાસ બેઠક યોજી તેમને આ જાહેર કાર્યક્રમ નહીં કરવાની સૂચના આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં અને ગાંધીનગરમાં હજુ પણ કોરોના વાઇરસનું સંક્રમણ યથાવત છે, ત્યારે વાઇરસનું સંક્રમણ જાહેર કાર્યક્રમોથી વધે નહીં તે માટે કોઈપણ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા પણ જાહેર મેળાવડા કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત સામાજિક પ્રસંગ એટલે કે લગ્ન પ્રસંગ હોય કે મરણ પ્રસંગ હોય તેમાં પણ નિર્ધારિત સંખ્યા પ્રમાણે જ લોકોને હાજર રહેવાનું સૂચના આપવામાં આવી છે. ત્યારે જાહેર મેળાવડામાં સંખ્યા વધુ થાય અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન ન થાય તે માટે કોઈપણ આયોજકોને જાહેર કાર્યક્રમ બાબતની મંજૂરી આપવામાં નહીં આવે.
જન્માષ્ટમી તહેવારની ઉજવણી કોઈપણ વ્યક્તિ પોતાના ઘરમાં કરી શકે છે, પરંતુ જાહેરમાં જન્માષ્ટમીની ઉજવણી થઇ શકશે નહીં. આ વર્ષે ગાંધીનગરમાં જન્માષ્ટમી અથવા તો શ્રાવણ માસની જાહેરમાં ઉજવણી થઇ શકશે નહીં.