ગાંધીનગર : રાજ્યના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું છે. ત્યારે ખેડૂતોને રવિ પાક માટે આકરી મહેનત કરવી પડી રહી છે. વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોને આથિક નુક્સાન જવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે પાણીના કારણે ખેતી ન થઇ શકે તેવી પણ શક્યતાઓ છે. તેને ધ્યાનમાં લઈને રાજ્યના પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીએ રાજ્ય સરકારને નર્મદાનું પાણી આપવા માટેની રજૂઆત કરી હતી.
નર્મદાના પાણી બાબતની રજૂઆત અંગે શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોને નુકસાન જવાનો ભય દેખાય છે. ત્યારે ખેડૂતોને સિંચાઇનું પાણી નર્મદા નહેરમાંથી મળી રહે તે માટેની રજૂઆત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને કરવામાં આવી હતી. જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ નર્મદાના પાણી અંગેની રજૂઆત કરવામાં આવી છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ બંને પાણી આપવા બાબતે પોઝિટિવ અભિગમ દાખવ્યો હોવાનું પણ શંકર ચૌધરીએ જણાવ્યું હતું. જ્યારે અમદાવાદમાં હોસ્પિટલમાં બનેલી ઘટના બાબતે પણ રાજ્યના પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીએ ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોને 8 કલાકની જગ્યા 10 કલાક વીજળી આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યના પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીએ ઉત્તર ગુજરાતના ખેડૂતોના માટે પાણી પૂરું પાડવામાં આવે તેવી રજૂઆત કરી છે.