ગાંધીનગર: રાજ્યસભાની ખાલી બેઠકો માટે કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ શુક્રવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ બન્ને ઉમેદવારોએ જીતનો દાવો કર્યો હતો અને અંતિમ સમયે કોંગ્રેસના એક પણ ધારાસભ્ય ભાજપમાં જોડાશે નહીં જોડાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રાજ્ય સભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ ETV ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષમાંથી 2 ઉમેદવારોS આજે રાજ્ય સભાના ફોર્મ ભર્યા છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, અમારી જીત થશે. અમારો કોઈ પણ ધારાસભ્ય ભાજપ જોડાશે નહીં. વધુમાં તેમણે જણાવ્યું કે, ભાજપ તોડફોડની રાજનીતિ કરી રહ્યું છે. ભુતકાળમાં તોડફોડની રાજનીતિમાં ભાજપને નુકસાન થયું હતું.
પાટીદાર ધારાસભ્યની કોંગ્રેસ સામે નારાજગી અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોઈ પણ પાટીદાર ધારાસભ્ય નારાજ નથી. તમામ ધારાસભ્ય બન્ને ઉમેદવારોને સાથ સહકાર આપશે.
રાજ્ય સભાના ફોર્મ ભરતા સમયે બન્ને ઉમેદવાર ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ સાથે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.