ગાંધીનગરઃ સચિવાયલ ગૃહ વિભાગમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાતવા ગોવિંદ ચૌધરીને સચિવાલયના દરવાજાની બહાર કારે ટક્કર મારી હતી. જેથી તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ માથાના ભાગે ગંભીર ઈજાના કારણે તેમનું મોત થયું છે. જેથી મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના ઈસનપુરમાં રહેતા જયેશ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના કાકાના દીકરા ગોવિંદ ચૌધરી નવા સચિવાલય ખાતે ગૃહ વિભાગમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેઓ સેકટર-21 ખાતે સરકારી ક્વાર્ટર્સમાં રહેતા હતા. 8 જુલાઈના રોજ રાત્રીના 8 વાગ્યે તેઓ ઓફિસમાંથી છૂટીને સચિવાલયના ગેટ-નં1 માંથી ઘરે જવા નીકળ્યા હતા. તે GJ 24 N 2987 નંબરનું બાઈક લઈને SBI બેન્કથી માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી વચ્ચેના રોડ પર પહોંચ્યા, ત્યારે પાછળથી GJ 18 BH 5355 નંબરની I-20 કારે તેમને ટક્કર મારી હતી.
તેમના શરીર તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેમને સારવાર અર્થે ગાંધીનગરની સિવિલમાં લઈ જવાયા હતા, પરંતુ વધુ સારવાર માટે એપોલો હોસ્પિટલમાં રિફર કરાયા હતા. તેમની સારવાર ચાલુ હતી, પરંતુ માથામાં ગંભીર ઈજાના કારણે તે બેભાન હાલતમાં હતા. 9 જુલાઈને ગુરુવારે સવારે 10 વાગ્યે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
અકસ્માત બાદ ભાઈની સારવારમાં વ્યસ્ત હોવાથી તેમણે ફરિયાદ નોંધાવી નહોતી. ગોવિંદભાઈના મોત બાદ સેકટર-7 પોલીસે I-20 કારના ચાલકે પૂરઝડપે, ગફલતભરી રીતે વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ ગુનો દાખલ કર્યો છે.