- સ્કૂલો શરૂ કરવા રાજ્યો પાસેથી માહિતી મંગાવી
- વિવિધ તજજ્ઞોની કમિટી રચવામાં આવશે
- યોગ્ય વાતાવરણ મળી રહે તે તમામ ચર્ચા કરાશે
ગાંધીનગર: ધોરણ 6થી 12ની સ્કૂલો શરૂ થયા બાદ ધોરણ 1થી 5ના વર્ગો શરૂ થાય તે પ્રકારની શક્યતા રહેલી છે. કારણ કે સરકાર દ્વારા તેને લઈને કમિટી બનાવવામાં આવશે. કમિટી દ્વારા જ નિર્ણય લેવામાં આવશે કે, સ્કૂલો દિવાળી વેકેશન બાદ કઈ તારીખથી શરૂ કરવી. જેમાં અત્યાર સુધી આ વિદ્યાર્થીઓ ઓનલાઇન જ ઘરે જ ભણ્યા છે. નાના બાળકો ઘણા સમય પછી સ્કૂલોમાં આવશે. ઓફલાઈન વર્ગમાં જોડાતા તેમને ઓફલાઈન શિક્ષણમાં રસ પડે અને યોગ્ય વાતાવરણ મળી રહે તે તમામ બાબતો કમિટીમાં ચર્ચા કરવામાં આવશે. કમિટીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ધો. 1થી 5ની સ્કૂલો ચોક્કસથી શરૂ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી જરુર પડતા શિક્ષકોને ટ્રેનિગ આપીશું
શિક્ષણ પ્રધાને કહ્યું કે, ધોરણ 1થી 5ની સ્કૂલો શરુ કરવા અલગ અલગ રાજ્યો પાસેથી માહિતી મંગાવી છે. અત્યારે દિવાળી વેકેશન છે. જો કે, કોરોનાની મહામારીને લઇને દરેક પાસાઓ પર આપણે વિચાર કરી રહ્યા છે. આ મુદ્દે એક કમિટી પણ રચવાના છીએ. બાળકો ઘણા સમય પછી કોરોનાને કારણે સ્કૂલમાં આવશે. જેથી તેની માનસિકતા સેટ થતા સમય લાગે. એનો વિચાર કરીને કોઇપણ પ્રકારની ખોટી ઉતાવળ કર્યા વગર અમે આગળ વધીશું. જરુર પડતા શિક્ષકોને પણ ટ્રેનિગ આપીશું. જેમાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી એક વાતાવરણ સેટ કરવાનો પ્રયત્ન કરીશું.
બાળકો સંસ્થાનો પ્રાણ છે એટલે તેને ધ્યાને લઈને ઘણી વિચારણા આ કમિટીમાં કરવામાં આવશે
જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું કે, કમિટીની રચના માટે અમે મંજૂરી આપી છે. સીધા જ તજજ્ઞોને તેમાં નિમવામાં આવશે. આપણે અન્ય દેશોની સરખામણીએ કોરોનાને રોકવામાં સફળ થયા છીએ. 100 કરોડથી વધુ લોકોએ વેક્સિન લીધી છે. જે વૈશ્વિક સ્તરે ખૂબ મોટી વાત છે. રાજ્યમાં પણ વેક્સિન લોકોને આપવામાં આપણે સૌથી આગળ છીએ. બાળકો ઘણા સમય પછી સ્કૂલમાં પ્રવેશ કરશે. બાળકો સંસ્થાનો પ્રાણ છે એટલે તેને ધ્યાને લઈને ઘણી વિચારણા આ કમિટીમાં કરવામાં આવશે.
વિધાનસભામાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઈ
અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલની 146મી જન્મ જયંતિ એ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વિધાનસભા પરિસરમાં સ્થાપિત સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી ભાવવંદના કરી કૃતજ્ઞતા વ્યકત કરી હતી. જ્યાં આ અવસરે કેન્દ્રીય પ્રધાન પરસોત્તમાઇ રૂપાલા, વિધાનસભા અધ્યક્ષા ડો.નીમા બહેન આચાર્ય, શિક્ષણ પ્રધાન જીતુભાઈ વાઘાણી વગેરે હાજર રહ્યા હતા. મહાનુભાવોએ વિધાનસભા પોડિયમમાં પણ સરદાર સાહેબના તસ્વીર ચિત્ર સમક્ષ પુષ્પાંજલી અર્પણ કરી આદર ભાવ વ્યક્ત કર્યો હતો.