ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઈરસ બેકાબૂ બની રહ્યો છે. શરૂઆતમાં કોરોનાને કંટ્રોલ કરવા માટે સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાઓ બંધ કરવામાં આવી હતી. હજુ પણ ક્યારે ખુલશે તે કોઈ કહી શકે તેવી સ્થિતિમાં નથી. તેવા સમયે શાળા સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી ફીની માગણી કરવામાં આવી હતી.
શિક્ષણ પ્રધાને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, કોઈ શાળા સંચાલક વાલીને ફી માટે દબાણ કરી શકશે નહીં. તેની સગવડ મુજબ વાલી ફી ભરી શકશે. પરંતુ જાડી ચામડીના બની ગયેલા શાળા સંચાલકો સરકારના આદેશને પણ ઘોળીને પી રહ્યા છે.
ગાંધીનગર પાસેના સરગાસમાં આવેલી સહજાનંદ સ્કૂલ ઓફ એચીવર દ્વારા આ કોરોનાની મહામારી વચ્ચે પણ ફી ઉઘરાવવા માટે વાલીઓને દબાણ કરવામાં આવી રહ્યુ છે. આજે બુધવારે વાલી મંડળે આ બાબતને લઇને શાળામાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ શાળા સંચાલકો દ્વારા જવાબ આપવાની જગ્યાએ તેમની સામે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું.
- સહજાનંદ સ્કૂલ ઓફ એચીવરએ વાલીઓને ફી માટે દબાણ
- વાલી મંડળે ફી મુદાને શાળામાં રજૂઆત કરી
- ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારીને પણ રજૂઆત કરાઈ
સ્કૂલમાં રજૂઆત કરવા ગયેલા વાલીમંડળના જયેશ પટેલે કહ્યું કે, શાળા સંચાલકો દ્વારા રેકોર્ડિંગ કરવામાં આવી રહેલો મોબાઈલ જપ્ત કરવાનો પ્રયાસ કરાયો હતો. તેની સાથે FRC દ્વારા સ્કૂલની ફી 30000 કરવામાં આવી છે, પરંતુ તેની જગ્યાએ એક લાખ જેટલી ફી પહોચ આપ્યા વિના ઉઘરાવવામાં આવી રહી છે.
જ્યારે હાલમાં સરકારે ફી માટે વાલીઓને દબાણ નહીં કરવા જણાવ્યું છે, તેમ છતાં વાલીઓને ફોન કરીને ફી ભરી જવા માટે આદેશો કરવામાં આવ્યા છે. જેને લઇને ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારીને પણ રજૂઆત કરવામાં આવી હતી. જો શાળા વાલીઓ સામે દબાણ બંધ નહીં કરે તો આગામી સમયમાં શાળાઓને તાળા મારવા પડશે એવી પણ ચિમકી ઉચ્ચારી હતી.