- રાજ્ય સરકારે રિક્ષા એસોસિએશન સાથે કરી બેઠક
- રાજ્યમાં નવા વર્ષથી ભાડામાં થશે વધારો
- 5 નવેમ્બરથી નવું ભાડું લાગુ
- કિલોમીટર દીઠ હવે 18 રૂપિયા ભાડું નક્કી કર્યું
- વેઈટિંગમાં 1 મિનિટના 1 રૂપિયો ભાડું લાગુ પડશે
ગાંધીનગરઃ રાજયમાં છેલ્લા 1 મહિનાથી રિક્ષાચાલકો ભાડા વધારવા બાબતે આંદોલન પર ઉતર્યા હતા. જ્યારે દિવાળીના તહેવારો બાદ અચોક્કસ મુદતની હડતાળ બાબતે પણ સરકાર વિરૂદ્ધ ચીમકી ઉચ્ચારી હતી, પરંતુ કેબિનેટ અને વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદી સાથે રિક્ષાચાલક એસોસિએશનની બેઠક યોજાઈ હતી, જેમાં નવા વર્ષ એટલે કે 5 નવેમ્બર 2021થી (બેસતા વર્ષના દિવસથી) સમગ્ર રાજ્યમાં રિક્ષા ભાડાનો નવો દર લાગુ કરવામાં આવશે. તેવો નિર્ણય કરાયો હતો.
આ પણ વાંચો- લક્ષ્મીજીનું પ્રિય કમળ ધનતેરસ આવતાં બન્યું મોંઘુ, ભાવમાં થયો વધારો
જાણો નવો દર કેટલો હશે?
એક કિલોમીટરના 18 રૂપિયા
1 કિલોમીટર બાદ પ્રતિ કિલોમીટર 13 રૂપિયા
વેટિંગ ચાર્જ 1 મિનિટનો 1 રૂપિયો
જૂનો દર
એક કિલોમીટરના 15 રૂપિયા
એક કિલોમીટર બાદ પ્રતિ કિલોમીટર દીઠ 10 રૂપિયા
વેટિગ રેટ 5 મિનિટના 1 રૂપિયો
રિક્ષા એસોસિએશનની માગ
એક કિલોમીટરના 20 રૂપિયા
એક કિલોમીટર બાદ પ્રતિ કિલોમીટરદીઠ 15 રૂપિયા
યુનિફોર્મ માં સરકાર નિયમ લાવેઃ રાજ સિરકે
રિક્ષાચાલકો માટે ડ્રેસ નક્કી છે, પરંતુ એક પણ રિક્ષાચાલક પહેરતો નથી
રાજયમાં રિક્ષાચાલકો માટે ફિક્સ્ડ ડ્રેસ નક્કી કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પણ ગુજરાતના રિક્ષાચાલકો માટે વાદળી કલરનો ડ્રેસ નક્કી કર્યા છે. તેમ છતાં પણ એક પણ રિક્ષાચાલકો ડ્રેસમાં જોવા નથી મળતા. ત્યારે આ બાબતે રિક્ષાચાલક એસોસિએશનના પ્રમુખ રાજ સિરકેએ જણાવ્યું હતું કે, અમે ડ્રેસ પહેરવા તૈયાર છીએ પણ રાજ્ય સરકાર એક જગ્યાએથી અમને ડ્રેસ પ્રાપ્ત થઈ શકે તેવી વ્યવસ્થા કરી આપે. જયારે એક ફિક્સ્ડ કલર કે, જેમાં કોઈ ફેરફાર ન હોય તેવી વ્યવસ્થા સરકાર કરે તેવી માગ કરી હતી.
આ પણ વાંચો- સરકારી બાબુઓને મોટો ફાયદો, 1 જુલાઈ 2021થી થશે લાગુ
છેલ્લા 4 વર્ષમાં કરી અનેક વખત રજૂઆત
રિક્ષા એસોસિએશનના પ્રમુખ રાજ સિરકેએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 4 વર્ષમાં રાજ્ય સરકારમાં અનેક વખત ભાડાં વધારવા માટેની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય કરવામાં આવ્યો ન હતો. જ્યારે નિયમ પ્રમાણે દર વર્ષે રિવ્યૂ કમિટીની બેઠક યોજવામાં આવે છે અને તેમાં ભાડું નક્કી કરવામાં આવે છે કે, આ વર્ષે ભાડું વધાર્યું કે નહીં, પરંતુ છેલ્લા 4 વર્ષથી જે ભાડું હતું તે જ યથાવત્ રાખવામાં આવ્યું હતું.